ઉત્તરે રણ અને દક્ષિણ દિશાએ ડુંગરોની હારમાળા ધરાવતા ખેતી અને પશુ પાલન આધારિત પાવર પટ્ટીના ગામોમાં લોક ડાઉનનો ચૂસ્ત અમલ થતાં બજારો અને રસ્તાઓ સૂમસામ ભાસે છે. લોકો વહેલી સવારે ખેતરોમાં જાય છેે. આમ કપરા સમયમાં ખેતી ક્ષેત્રે રોજગારી મળી રહેતી હોવાથી પરિવારના ગુજરાન માટે કોઇને મદદ માગવા હાથ લાંબો કરવો નથી પડતો. ઢોરી અને નિરોણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના વિવિધ ગામોમાં આશા વર્કર દ્વારા માર્ગદર્શન પૂરું પડાઇ રહ્યું છે અને શરદી તાવના લક્ષણો હોય તેવા લોકોને સારવાર અપાય છે.જે વિસ્તારોમાં વાજબી ભાવની દુકાનો છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સ રાખીને અનાજ વિતરણ કરાય છે. પાવર પટ્ટીના મુખ્ય મથક નિરોણાની બેન્ક ઓફ ઇન્ડિયામાં પણ ગ્રાહકોને એક બાદ એક પ્રવેશ અપાય છે. નિરોણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ ગ્રામ રક્ષક દળના જવાનો કાયદો વ્યવસ્થા પર દેખરેખ રાખી રહ્યા છે. કેટલાક સેવાભાવી યુવાનો દ્વારા તેમના વિસ્તારોમાં રાશન કીટ સહિતની સામગ્રીનું વિતરણ કરવાનું બીડું ઝડપાયું છે. સમગ્ર પાવર પટ્ટીમાં સરકારની માર્ગદર્શિકાનું ચૂસ્ત પણે અમલીકરણ થઇ રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
Sunday, April 12, 2020
New