કચ્છમાં કાળઝાળ ગરમી વચ્ચે ભુજ તાલુકાના દેશલપર (વાંઢાય)માં બપોરે એકાએક પલટાયેલા વાતાવરણ વચ્ચે તોફાની વરસાદી ઝાપટું વરસ્યું હતું. બીજી બાજુ 40.8 ડિગ્રી જેટલા ઉંચા તાપમાન સાથે ભુજ રાજ્યભરમાં બીજા ક્રમનું ગરમ શહેર બની રહ્યું હતું. દેશલપરમાં લોકલ સિસ્ટમના પગલે ઝાપટું વરસ્યું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. ચૈત્ર માસ અંત ભણી છે અને વૈશાખ શરૂ થાય તે પહેલાં જ છેલ્લા કેટલાક સમયથી કચ્છમાં આકરો તાપ વર્તાઇ રહ્યો છે જેને પગલે સુરેન્દ્રનગર (40.9) બાદ જિલ્લા મથક ભુજ બીજા નંબરનું ‘હોટ સિટી’ બન્યું હતું. જો કે, બપોર બાદ છવાયેલા વાદળોએ ગરમીમાં રાહત આપી હતી. ભુજ તાલુકાના દેશલપર વાંઢાય વિસ્તારમાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદી ઝાપટુ વરસ્યું હતું. કમોસમી વરસાદી માહોલથી ખેડૂતોમાં ચિંતા છવાઈ ગઈ હતી. 10 મિનિટ ભારે પવન અને ગાજવીજ સાથે પડેલા ઝાપટાથી માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા.જાણે ચોમાસું હોય તેમ આકાશમાં મેઘ ધનુષ્ય જોવા મળ્યું હતું. ગામની બાજુમાં આવેલા વાંઢાય તીર્થધામમાં પણ એકાએક ફુંકાયેલા તોફાની પવન સાથે ઝાપટું પડ્યું હતું. આ અંગે ભુજની હવામાન કચેરીના પ્રભારી રાકેશકુમારનો સંપર્ક સાધતાં તેમણે પ્રિમોન્સૂન એક્ટિવિટી અને લોકલ સિસ્ટમના ભાગ રૂપે પાણી વરસ્યું હોવાનું કહ્યું હતું. સોમવારે રાજ્યભરમાં ગરમ રહેલા કંડલા એરપોર્ટ મથકે ઉંચુ ઉષ્ણતામાન 39.7 ડિગ્રી રહેવાની સાથે ગાંધીધામ વિસ્તારમાં ગરમીમાં આંશિક રાહત અનુભવાઇ હતી. કંડલા પોર્ટ ખાતે મહત્તમ 39.1 જ્યારે નલિયામાં 35.6 ડિગ્રી સેલ્શિયસ નોંધાયું હતું. દરમિયાન અમદાવાદના હવામાન વિભાગે બે દિવસ સુધી ગરમીનો પારો બેથી ત્રણ ડિગ્રી વધે તેવી સંભાવના વ્યક્ત કરી હતી
Wednesday, April 22, 2020
New