ભુજ તાલુકાના હબાય, માંડવીના મોટી સાંભરાઈ જેવા સ્થળોએ છેલ્લા એક અઠવાડિયામાં શિકારની ઘટનાઓ ધ્યાને આવતા લોકડાઉન વચ્ચે વનવિભાગે જિલ્લાભરમાં ચાલી રહેલું પેટ્રોલિંગ વધુ ચુસ્ત બનાવી દીધું છે. કચ્છના ચાર અભયારણ્યથી લઈને જિલ્લામાં વિવિધ રિઝર્વ ફોરેસ્ટ વિસ્તાર પર ખાખી વર્દીમાં વનરક્ષક, ફોરેસ્ટર અને ચોકીદાર સહિતનો સ્ટાફ ચાંપતી નજર રાખી બેઠો છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસરો દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે. એસીએફ અને ડીસીએફ દ્વારા આ તમામ એક્ટિવિટી જિલ્લાસ્તરે મોનિટર પણ કરાઈ રહી છે. અત્રે એ નોંધનીય છે કે, આ પેટ્રોલિંગના કારણે જ હબાયમાં શિકારની ઘટના સામે આવી હતી.પશ્ચિમ કચ્છના વનવિભાગના સેન્ચ્યુરી સુપ્રીટેન્ડેન્ટ ડો.તુષાર પટેલે કહ્યું કે, લોકડાઉન વચ્ચે કોઈ અનિચ્છનીય ઘટના ન બને, તે માટે દિવસ રાત અભયારણ્ય અને અનામત વનવિસ્તારમાં સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો છે. દરેક વિસ્તારના અક્ષાંશ અને રેખાંશના ડેટા સહિતના ફોટોગ્રાફ અને વિગતો સાથે અહીં મોનીટરીંગ પણ કરાઈ રહ્યું છે. પૂર્વ કચ્છના ઇન્ચાર્જ ડીસીએફ હર્ષ ઠક્કરે કહ્યું કે,પ્રાણીઓની સલામતી મહત્વની હોતા તમામ સ્ટાફ આ બાબતે એલર્ટ છે અને કેટલાક તત્વો લોકડાઉનનો લાભ ઉઠાવી ગેરકૃત્યો ન આચરે માટે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, વનવિભાગનો સ્ટાફ પોલીસ ફરજ સાથે પણ જોડાયેલ હોતા ટીમ રચી આ કામગીરી હાથ ધરાઈ છે.
Wednesday, April 22, 2020
New