ભચાઉમાં છેલ્લા પાંચ વર્ષથી બનેલું ટ્રોમા સેન્ટર ક્યારે ખૂલશે તે બાબતે લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે પણ આ સેન્ટરને હાલે તો કોરોનાના આઇસોલેશન વોર્ડમાં ફેરવવાનું વિચારાઇ રહ્યું છે. સોમવારની સાંજે સરકારી હોસ્પિટલની મુલાકાતે આવેલા કલેક્ટરે ટ્રોમા સેન્ટરનું નિરીક્ષણ કર્યા બાદ આરોગ્ય વિભાગે સેન્ટરને આઇસોલેશન વોર્ડમાં ફેરવવાની તૈયારીઓ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું. નેશનલ હાઇવે નજીક અને અનેક ઔદ્યોગિક એકમોથી ઘેરાયેલા ભચાઉની સરકારી હોસ્પિટલના ઉપરના માળે ટ્રોમા સેન્ટર બનાવાયું હતું પરંતુ સરકારની પૂરતી નિષ્ઠા અને સ્થાનિક રાજકીય આગેવાનો , લોકપ્રતિનિધિઓનું ઉપર સુધી પૂરતું ઉપજતું ન હોવાથી છેલ્લા 5 વર્ષથી ધૂળ ખાય છે. વર્તમાન સમયે કોરોનાની સામે સાવચેતીના પગલા ભરાઇ રહ્યા છે તેને લઇને આ સેન્ટરને આઇસોલેશન વાર્ડ બનાવવાની તૈયારીઓ થઇ રહી હોય તેવું કલેક્ટર પ્રવીણા ડી.કે.ની મુલાકાત પરથી જાણવા મળ્યું હતું. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નર, પ્રાંત અધિકારી પી.એ. જાડેજા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.એ.કે.સિંગ, મામલતદાર કે.જી.વાછાની. દીપક દરજી વગેરે હાજર રહ્યા હતા.
Wednesday, April 29, 2020
New