ભુજ તાલુકાના ડગારા ગામે પદ્ધર પોલીસ લોકડાઉનની અમલવારી માટે પેટ્રોલિંગમાં હતી તે વેળાએ તળાવ પાસેથી બાઇકથી જઇ રહેલા બે શખ્સોને ઉભો રખાવ્યો હતો પણ તે નાસી જતા તેમનો પીછો કરી પકડતા તેમના કબજામાંથી દેશી બંદુક મળી આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, પદ્ધર પોલીસની ટીમ પેટ્રોલિંગ વેળાએ ડગાળા ગામના તળાવ પાસે બે રાહદારીને ઉભા રાખી પુછતાછ કરતા હતા તે સમયે જ બાઇકથી પસાર થઇ રહેલા બે શખ્સોને ઉભો રહેવાનો ઇશારો કરતા તે નાસી ગયા હતા. પોલીસે તેનો પીછો કરી પકડીને અબ્બાસ ઇબ્રાહીમ મમણ, અમીન અજીજ કેવર (રહે. નાના વરનોરા વાળા)ની તલાસી લેતા તેમની પાસેથી સીંગલ બેરલની દેશી બંદુક અને નાની ડબ્બીમાં છરા પણ મળી આવ્યા હતા. પોલીસે દેશી બંદુક કિંમત રૂપીયા 2 હજાર, છરા કિંમત રૂપીયા 100 અને મોટર સાઇકલ જીજે 12 સીએલ 5957 નંબરવાળી (કિંમત રૂપીયા 25 હજાર)નો મુદ્દામાલ જપ્ત કરી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લોકડાઉન કરાયુ છે ત્યારે દેશી બંદુક અને છરા શા માટે બહાર લઇ બંને શખ્સો નીકળ્યા હતા તે અંગે જો તપાસ થાય તો ચોંકાવનારી વિગતો બહાર આવે તેમ છે અને ગુનાની કલમોમાં પણ વધારો થાય.
Thursday, April 16, 2020
New