માંડવી તાલુકાના ગઢશીશા આજુબાજુના 35 ગામોનું ધંધાકીય સેન્ટર છે. સ્થાનિક તેમજ વિસ્તારમાંથી ઘણા લોકો ગઢશીશામાં વેપાર કરવા આવે છે. હાલ લોકડાઉનના પગલે સંપૂર્ણ કામ ધંધા ઠપ્પ થઈ ગયા છે. ખાણીપીણી, ચાયની લારીઓ, હોટલ ધારકો, મજુર વર્ગના લોકો ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે અને આર્થિક રીતે ખૂબ સંકડામણ અનુભવી રહ્યા છે. આ અંગે સુધીરભાઈ ગોસ્વામી અને અશ્વિનભાઈએ જણાવેલ કે મહિનાથી વધુ સમયમાં ખાણીપીણી અને બેકરી વ્યવસાય બંધ રહેતા સંચાલકો આર્થિક બોજનો સામનો કરી રહ્યા છે. ચા હોટલ ધરાવતા સમતભાઈ રબારી, પ્રતાપભાઈ ચૌહાણ, સાંગાભાઈના જણાવ્યાનુસાર રોજના આ વ્યવસાય કરતા લોકોની હાલત કફોડી બની છે, ઉપરાંત ટિફિન સેવા ચલાવતા અને હોટેલ રેસ્ટોરેન્ટના સંચાલકોમાં નિકુંજભાઈ પટેલે જણાવેલ કે હોટેલના ભાડા, લાઈટ બીલ, પાણી બિલ અને કારીગરોના પગાર અને ખાધાં ખોરાકી ખર્ચથી બમણો માર પડી રહ્યો છે. અમુક શ્રમિક પરિવાર દ્વારા ઊંચા વ્યાજે પૈસા લઈને પોતાનું ગુજરાન ચલાવવા માટે મજબૂર બનવું પડ્યું છે તેવી સ્થિતિ પણ સર્જાઈ છે.
Tuesday, April 28, 2020
New