જો કોઇ મેડિકલ ઈમરજન્સી આવી પડે તો સૌથી પહેલા આવશ્યકતા એમ્બ્યુલન્સની પડે છે. આદિપુર, ગાંધીધામમાં ગત ત્રણ વર્ષેથી રામદુત એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ અંતર્ગત આઈસીયુ ઓન વ્હિલ્સ સહિત ચાર એમ્બ્યુલન્સ, શબ વાહીની સહિતની સેવાઓ અપાઈ રહી છે. ખુબ ઓછી પ્રકાશમાં આવેલી આ વ્યવસ્થા થકી લોકડાઉનના ગાળામાં રાજ્યના અન્ય સ્થળોથી દવાઓ પહોંચાડવા સહિતના કાર્યોમાં લોકો માટે આશીર્વાદ રુપ કાર્ય કરી સાચા અર્થેમાં ‘રામદુત’ તરીકેની ભુમિકા ભજવી હતી.
સંચાલન કરતા વિપુલભાઈ ત્રીકમજીભાઈ સીલજપરાએ જણાવ્યું હતું કે 24 કલાક દરેક કોલ માટે અમે ખડેપગે રહીએ છીએ અને જનસેવાર્થે દરેક વ્યક્તિને શક્ય તે રીતે મદદરુપ થવાનો પ્રયાસ કરીએ છીએ. તેમનો સાથ ચાલક દીલીપભાઈ ચૌહાણ સહિતના 8 જેટલા લોકોનો સ્ટાફ આપી રહ્યા છે. આદિપુરના ડીવાઈન લાઈફ હોસ્પીટલ પાસે તેમનું સ્થાન નિયત છે ત્યારે ઘણા કિસ્સાઓમાં દર્દીઓની આર્થિક હાલત સારી ન હોય ત્યારે ભુજની વડી હોસ્પીટલ નિઃશુલ્ક પહોંચાડવામાં આવ્યા છે. સામાન્ય રીતે વ્યાજબી દરે લોકોને આરોગ્ય લક્ષી સુવ્યવસ્થીત સર્વિસ મળી રહે તે માટે શરુ કરાયેલી કામગીરી આજે વટવ્રુક્ષ બની રહી છે.