માંડવીના કે.ટી.શાહ રોડ પર વેપારીએ લોક ડાઉનનો અમલ ન કરી દુકાન ચાલુ રાખતાં, પાલિકાએ દુકાન સીલ કરી, પોલીસે અટકાતી પગલા ભર્યા હતા. શુક્રવારના સવારે શહેરના ધમધમતા કે.ટી. શાહ રોડ પર પ્લાસ્ટિક ગ્લાસવેર અને જંતુનાશક દવાનો વેપાર કરતા કાદરભાઇ મોહંમદભાઇની દુકાન ખુલ્લી હોવાની ટેલિફોનિક ફરિયાદ શહેરની નગરપાલિકામાં કરાઇ હતી, જેથી પાલિકાની ટીમ અને પોલીસે સંયુક્તમાં ઘટના સ્થળે ત્રાટકી, પંચનામું કર્યું હતું. નગરપાલિકા સત્તા ઓથોરિટી હેઠળ 133 કલમના ભંગ બદલ પાલિકાની સાથે પોલીસની હાજરીમાં દુકાનના શટર ડાઉન કરી સીલ કરવાની કામગીરી કરાઇ હતી. કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ રીતે એક વેપારી પર પાલિકા અને પોલીસ બંને દ્વારા જુદી-જુદી કલમો લગાવી દુકાન સીલ કરી હોવાની પ્રથમ ઘટના બની હતી.માંડવી પોલીસ દ્વારા લોક ડાઉન શરૂ થયો ત્યારથી સખ્તાઇથી કામગીરી કરાય છે, જેના ભાગરૂપે અત્યાર સુધી 130 વાહનો ડિટેઇન કરવાની સાથે જાહેરનામાના ભંગ બદલ 60 શખ્સો સામે કાર્યવાહી કરવા છતાં લોકો સુધરતા ન હોઇ શનિવારથી પોલીસ વધુ કડક બનશે તેવું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
Saturday, April 11, 2020
New