કચ્છમાં લોકડાઉન દરમિયાન બેન્ક કે એ.ટી.એમ.ની મુલાકાત ન લેવી પડે અને તેમને ઘરે જ તેમના બેન્ક ખાતામાંથી નાણાં મળી જાય તે પ્રકારની સુવિધા પોસ્ટ ઓફિસ દ્વારા પુરી પાડવામાં આવી રહી છે. પોસ્ટમેનો દ્વારા લોકોને ઘરે નાણાં પહોંચાડવામાં આવે છે. પોસ્ટની સેવા અંતર્ગત કચ્છમાં 5341 જેટલા ગંગાસ્વરૂપ બહેનોને ઘેર બેઠા 1.50 કરોડ જેટલી સહાય ચૂકવાઇ હતી. કચ્છના પોસ્ટ સુપ્રિન્ટેડન્ટ એસ.યુ.મનસુરીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, કુલ 8980 ગંગાસ્વરૂપ મહિલાઓને સહાય પેટે પોસ્ટ ખાતામાં જમા થયેલી રકમ તેમના ઘર સુધી પહોંચાડવામા આવશે. આ ઉપરાંત વૃધ્ધોને મળતી સહાયની રકમ પણ પોસ્ટમેન દ્વારા ઘરે પહોંચાડવામાં આવી રહી છે. બેંક ખાતામાંથી રૂ. 10હજારની મર્યાદામાં માઈક્રો મોબાઈલ ATM દ્વારા રકમ પૂરી પાડવામાં આવી છે. આ સેવા પણ ડોર-સ્ટેપ પૂરી પાડવામાં આવી રહી છે. આજ સુધીમાં 789 લોકોને 11 લાખ જેટલી ચૂકવણી કરાઇ છે. પોસ્ટમેનોએ કહ્યું હતું કે, “હાલ લોકડાઉનની પરિસ્થિતિમાં તમામ લોકો ઘરે જ રહે તે અત્યંત આવશ્યક છે” પોસ્ટઓફિસની આ અદકેરી સેવાનો લાભ મેળવનારા કચ્છના વતનીઓએ પોસ્ટઓફિસ તેમજ પોસ્ટમેનનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ સેવા ખરેખર સૌ માટે વરદાનરૂપ છે, હાલ કોરોનાના ભયથી બેન્ક કે એ.ટી.એમ. જેવાં ભીડવાળા સ્થળો પર જવાનું ટાળવા લોકો માટે આ વિકલ્પ અતિ ઉપયોગી સાબિત થઇ શકે છે. આ યોજના અંતર્ગત પોસ્ટઓફિસમાં ૦૨૮૩૨-૨૨૧૧૭૨ ઉપર ફોન કરી કોઈ ચાર્જ વગર પૈસા મેળવી શકાશે.
Saturday, April 18, 2020
New