લોક ડાઉનનો સમય લંબાયો છે તેમ છતાં જો 20 તારીખ સુધી જે વિસ્તારમાં કોરોનાના વધારે કેસ બહાર નહિ આવે તો સરકારી છૂટછાટ આપવાની જાહેરાત કરાઇ છે. દરમિયાન રાજ્ય સરકારે બુધવારથી માર્કેટ યાર્ડ ચાલુ કરવાનો નિર્ણય કર્યો હતો પણ કચ્છમાં તકેદારી અને આયોજનના ભાગ રૂપે તા. 21થી તમામ છ એપીએમસી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે, જણસ વેચવા આવનારા ખેડૂતોએ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયોમનું પાલન કરવાનું રહેશે. ફળ ફળાદિ અને શાકભાજી આવશ્યક સેવા હેઠળ હોઇ જિલ્લાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમા તેની ખરીદી ચાલુ છે પણ રવિ પાક ઉતરી ગયો હોતાં ખેડૂતોને આર્થિક ફટકો ન ખમવો પડે તે હેતુથી બુધવારથી માર્કેટ યાર્ડમાં ખરીદ વેચાણની રાજ્ય સરકારે મંજૂરી આપી હતી. ભુજ, અંજાર, ભચાઉ, રાપર, મુન્દ્રા અને માંડવી એપીએમસીમાં વિવિધ જણસની ખરીદી કઇ રીતે કરવી તેના આયોજન માટે ભુજમાં જિલ્લા રજીસ્ટ્રાર ગૌતમ સોલંકીના અધ્યક્ષસ્થાને આયોજિત બેઠકમાં આ મુદ્દે સુચનો લેવાયા હતા જેના અંતે 21મી મેથી તમામ બજાર સમિતિમાં ઘઉં, રાયડો, એરંડા, ધાણા સહિતની જણસો ખરીદવાનું ઠરાવાયું હતું. આ માટે જણસ મુજબ ખેડૂતોને નિશ્ચિત તારીખે એપીએમસીમાં માલ વેચવા આવવાનું રહેશે. કઇ જણસ કયા વારે ખરીદવી તેનો નિર્ણય ભુજ એપીએમસીના ચેરમેન કેશુભાઇ પટેલ અને વેપારીઓની પરામર્શ બાદ લેવાશે તેમ સેક્રેટરી એસ. એચ. બરાડિયાએ જણાવ્યું હતું.તા.16/4થી ખેડૂતો માર્કેટ યાર્ડમાં પોતાનું રજીસ્ટ્રેશન સવારે 7 થી 110વાગ્યા સુધી કરાવી શકશે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટેની જરૂરી સેનીટાઈઝીંગ, માસ્ક, ગ્લોવઝ તેમજ ડીજીટલ ઈન્ફ્રારેડ ટેમ્પ્રેચર ગન ખરીદવા અંગેની તમામ કામગીરી બજાર સમિતિઓએ પૂર્ણ કરી લેવાની રહેશે.
Thursday, April 16, 2020
New