ભુજની જનરલ હોસ્પિટલમાં શંકાસ્પદ લક્ષણો સાથે તા. 20 માર્ચના દાખલ કરાયેલા લખપત તાલુકાના આશાલડી ગામના 59 વર્ષના મહિલાએ 39 દિવસની લડાઇ બાદ કોરોનાને મ્હાત આપી હતી. કચ્છના આ પ્રથમ પોઝિટીવ દર્દીના 16 વખત સેમ્પલ મોકલાયા હતા પણ રિપોર્ટ પોઝિટીવ-નેગેટિવ વચ્ચે રમ્યા કરતો હોવાથી એક તકે તબીબો પણ મૂંઝવણમા મુકાયા હતા, જો કે, છેલ્લા બે રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને માનભેર હોસ્પિટલમાંથી ઘરે પહોંચતા કરાયા હતા. દરમિયાન ભુજ, નિંગાળ અને કંડલાના શંકાસ્પદ દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ભુજની જનરલ હોસ્પિટલમાં હાલે એકમાત્ર માધાપરનો યુવક સારવાર તળે છે. તેનો એક રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ફરી સેમ્પલ મોકલાયું છે જે આજે બુધવારે નેગેટિવ આવશે તો તેમને પણ રજા આપવામા આવશે. આમ કચ્છ કોરોનામુક્ત થવા જઇ રહ્યું છે. દરમિયાન મંગળવારે 15 નવા સેમ્પલ લેવાયા તે પૂર્વે સોમવારના તમામ 16 રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આશાલડી ગામના રહીમાબેન ઇબ્રાહિમભાઇ જતને કોરોનાના કોઇ જ લક્ષણ ન હતા પણ મક્કા મદિનાથી પરત ફરેલા તેમના પતિને તાવ હોતાં મુસાફરીમાં થયેલા સંપર્કને કારણે આ મહિલાને તા.20/3ના જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને બીજા દિવસે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતાં સારવાર શરૂ થઇ હતી. તા. 22/2ના ઉમરાહ પઢવા માટે મક્કા મદીના નીકળેલા અને 15/3ના પરત ફરેલા આ મહિલાની સારવાર દરમિયાન 16 વખત સેમ્પલ લેવાયા હતા છેવટે છેલ્લા બે રિપોર્ટ નેગેટિવ આવતાં આરોગ્ય વિભાગે હાશકારો અનુભવ્યો હતો અને તેમને સાંજે ચાર વાગ્યાના અરસામાં હોસ્પિટલમાંથી મુક્ત કરાયા હતા. કોરોનાને ફેલાતો રોકવા માટે આરોગ્ય વિભાગે અપનાવેલા ક્વોરન્ટાઇનના તકેદારી રૂપ પગલાને મોટી સફળતા મળી છે. કચ્છમાં હાલે 45 લોકો ઇન્સ્ટીટ્યૂશનલ અને મંગળવારના નવા 101 મળીને 1978 વ્યક્તિ હોમ ક્વોરન્ટાઇન છે. અત્યાર સુધી 9260 લોકોને કોવિડ કેર સેન્ટર તેમજ તેમના ઘરે આરોગ્ય વિભાગની નિગરાની હેઠળ રાખવામા આવ્યા હતા.આ મહિલાને કલેકટર પ્રવિણા ડી.કે., અધિક નિવાસી કલેકટર કુલદીપસિંહ ઝાલા, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી, ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાણી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નર, સીવીલ સર્જન ડો.કશ્પય બુચ, એડીશનલ મેડીકલ સુપ્રિ.ડો.નરેન્દ્ર હિરાણી, અગ્રણી દિલીપભાઇ ત્રિવેદી તેમજ સ્ટાફે વિદાય આપી ત્યારે તેમના પતિએ હોસ્પિટલની વ્યવસ્થા, સ્ટાફની સેવા અને આરોગ્ય વિભાગ અને રાજય સરકારનો ગદગદ સ્વરે આભાર માન્યો હતો.હોસ્પિટલમાંથી મુક્ત કરાયેલા આ મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ તેમના ગામ આશાલડીમાં પરિવારના 12 લોકોને ઇન્સ્ટીટ્યૂશનલ અને 139 વ્યક્તિને હોમ ક્વોરન્ટાઇન કરાયા હતા. ગામના 3 કિલો મીટરની ત્રિજ્યાના વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ફેરવાયો હતો. પોઝિટીવ કેસના સંપર્કમાં આવેલા તેમજ અન્ય શંકાસ્પદના મળીને 48 લોકોના નમૂના લેવાયા જે તમામ નેગેટિવ આવ્યા હતા. આરોગ્ય વિભાગની 14 ટીમે 112 ઘરની રૂબરૂ મોજણી કરીને 708 ગ્રામજનોના સ્વાસ્થ્યની ચકાસણી કરી હતી. આ મહિલાની સાથે મોબાઇલ પર કચ્છીમાં વાત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ‘હાણે આંજી તબિયતજી ખ્યાલ રખજા’. પ્રત્યુત્તરમાં જયારે તેમનો આભાર માન્યો ત્યારે સીએમએ કહયું કે, ‘‘તમે બધા ગુજરાતની શાન છો. તમારે આભાર ન માનવાનો હોય હવે તબિયત સાચવશો અને ઘરમાં પણ બધાની તબિયત જાળવજો, હું લખપત આવીશ તો મળીશ તમને.’’ આ પૂર્વે ડો.દીપ ઠકકરના મોબાઇલ પર વાત કરતાં મુખ્યમંત્રીએ હોસ્પિટલના સમગ્ર સ્ટાફને ઘન્યવાદ આપ્યા હતા.આ મહિલા દાખલ થયા અને હોસ્પિટલમાંથી રજા અપાઇ તે 39 દિવસના ગાળામાં તેમની નજર સામે 3 દર્દીને મુક્ત કરાયા હતા તો પણ હિમત હારી નહિ. માધાપરના સાસુ અને વહુ એમ બે મહિલા અને તેમના તાલુકાના જ કોટડા મઢના વૃધ્ધને તેમના બાદ દાખલ કરાયા હતા અને કોરોના મુક્ત થતાં આ તમામ ત્રણ દર્દીને તેમના કરતા વહેલી રજા આપવામા આવી હતી. સૂત્રોના કહેવા મુજબ જે તે સમયે આ મહિલા અને તેમના પતિને જિલ્લા કક્ષાએથી આરોગ્ય ચકાસણી માટે કહેવામા આવ્યું ત્યારે બન્નેએ સાફ શબ્દોમાં ના કહી હતી. જો કે, સ્થાનિક આરોગ્ય વિભાગ અને તે સમયે ગામમાં દોડી આવેલા અધિકારીઓએ તેમને રોગની ગંભીરતાની છણાવટ કરીને મહામહેનતે સમજાવ્યા હતા જેના અંતે તેઓ ભુજ જવા તૈયાર થયા હતા. આમ આ કિસ્સામાં પણ આરોગ્ય વિભાગની ભૂમિકા મહત્વની રહી હતી.
Wednesday, April 29, 2020
New