વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈને સફળ બનાવવા માટે
લોકોને રવિવારે જનતા કર્ફ્યૂ પાળવા અનુરોધ કર્યો હતો મોદીએ કોરોના વાયરસને
સંક્રમિત થતો રોકવા માટે સામાજિક અંતર રાખવા માટે રવિવાર સવારના સાત વાગ્યાથી
રાતના ૯ વાગ્યા સુધી જનતા કર્ફ્યૂની અપીલ કરતા ગુજરાતે જબ્બર સમર્થન આપ્યું હતું. રાજ્યના
તમામ બસ સ્ટેશન, રેલવે
સ્ટેશન અને રાજ્યભરની તમામ બજારોએ સ્વંયભૂ બંધ રાખ્યું હતું. અમદાવાદના એલિસબ્રીજ
સુમસામ આજે સવારથી જ અહીંયા કોઈ વાહન જોવા મળ્યું નહોતું. અમદાવાદના સોલા વિસ્તારમાં
આવેલા કારગીલ પેટ્રોલ પમ્પનો પણ કઈક આવોજ નજારો જોવા મળ્યો હતો. ભીડભાડ વાળો આ
વિસ્તાર સુમસામ જોવા મળ્યો હતો. રાજ્યમાં જનતા કર્ફ્યૂના સમર્થનમાં પ્રવાસીઓ
પ્રવાસ કરવાનું ટાળ્યું હતું જેના કારણે મણિનગર રેલવે મથક સુમસામ જોવા મળ્યું
હતું. જે વિસ્તારમાં હૈયે હૈયુ દળાતું હોય એવા લાલ દરવાજાના એમએટીએસ મુખ્ય મથક પર
કેટલાક ફરજ પરના કર્મચારીઓ સિવાય કોઈ જોવા મળ્યું નહોતું. સુરક્ષા સ્ટાફ સિવાય
અહીંયા સ્વયંભુ બંધ હતો. સૌરાષ્ટ્રના જૂનાગઢમાં પણ સન્નાટો જોવા મળ્યો હતો. નરસિંહમહેતાની
નગરીમાં બસ મથકે છીંક ખાવ તો પણ પડઘા પડે તેવો માહોલ હતો. સદાય ભીડથી ઉભરાતો
અમદાવાદનો ભદ્રકાળી માતાજીના મંદિરનો પરિસર આજે સુમસામ હતો. અમદાવાદીઓએ કોરોના સામે
લડવા માટે આજે દેવદર્શન કરવાનું ટાળ્યું હતું. રાજકોટનો ધબકતો ધર્મેન્દ્ર રોડ આ
પ્રકારે સુમસામ જોવા મળતા જનતા કર્ફ્યૂની ચોક્કસ અસર જોવા મળી હતી. રાજકોટ વાસીઓએ
કોરોના સામેની લડતમાં સ્વંયભૂ બંધ પાળ્યો છે. મહેસાણાના મુખ્ય માર્ગો અને બજારોની
સ્થિતિ પણ રાજ્યના અન્ય શહેરોની જેમ હતી. અહીંયા પણ બધું જ સ્વયંભૂ બંધ હતું.
ગુજરાતે વડાપ્રધાનના પડ્યા બોલ ઝીલી અને દેશમાં એક અનોખું ઉદાહરણ રજૂ કર્યુ હતું. રાજ્યના
પાટનગરમાં પણ જનતા કર્ફ્યૂ સંપૂર્ણપળે સફળ રહ્યો. મુખ્ય એસટી મથક પથિકાશ્રમમાં ફરજ
પરના સ્ટાફે પણ સ્વયંભૂ બંધ પાળી અને કોરોના સામેની લડતને મજબૂત બનાવી હતી.
Monday, March 23, 2020
New
