દુનિયાભરમાં કોરોનાનો કાળો કેર : ૧૧૦૦૦થી પણ વધુ લોકોનાં મોત - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Monday, March 23, 2020

દુનિયાભરમાં કોરોનાનો કાળો કેર : ૧૧૦૦૦થી પણ વધુ લોકોનાં મોત



વિશ્વભરમાં કોરોના વાઇરસના સંક્રમણે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. સંક્રમણ અત્યાર સુધીમાં કુલ ૧૮૫ દેશમાં ફેલાઈ ચૂક્યું છે. શનિવાર સવાર સુધીમાં કુલ કેસનો આંક ૨૭૬,૫૫૦ થયો છે અને ૧૧,૪૧૭ લોકોનાં મૃત્યુ થયાં છે. સારી વાત એ છે કે ૯૧,૯૫૪ લોકો સાજા થયા છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સનો એક સ્ટાફર પણ સંક્રમિત થયો છે. યુરોપનું વુહાન બની ચૂકેલા ઇટલીમાં અત્યાર સુધીમાં કુલ ૪૦૩૨ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈરાનમાં કોરોનાનો પ્રકોપ જારી છે. ઈરાનમાં મૃત્યુઆંક વધીને ૧૪૩૩ થઈ ગયો છે ત્યારે ૧૯,૬૪૪ લોકો વાઇરસથી સંક્રમિત થયા છે. ઇટલી અને ઈરાન સાથે સ્પેનમાં પણ કોરોના વાઇરસની ગંભીર અસર જોવા મળી છે. સ્પેનમાં કોરોનાને લીધે અત્યાર સુધીમાં ૧૦૯૩ લોકોનાં મોત થયાં છે, જ્યારે ૨૧,૫૭૧ લોકો સંક્રમિત થયા છે. દક્ષિણ કોરિયામાં પણ મૃત્યુઆંક વધીને ૧૦૨ થયો છે અને સંક્રમિતોની સંખ્યા ૮૭૯૯ થઈ છે. અમેરિકામાં કોરોના મોટી આફત બન્યો છે. અમેરિકામાં વધુ ૧૯ લોકોનાં મોત થતાં કુલ મૃત્યુઆંક ૨૭૫ થયો છે અને સંક્રમિતોની સંખ્યા ૧૯૭૭૪ થઈ છે. પાકિસ્તાનમાં કોરોના વાઇરસથી સંક્રમિતોની સંખ્યા ૫૦૦નો આંક વટાવી ગઈ છે ત્યારે વડા પ્રધાન ઇમરાન ખાને રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન કરવાનો ઇનકાર કર્યો છે. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં કુલ ૩ લોકોનાં મોત થયાં છે અને ૫૦૧ જેટલા કેસ નોંધાયા છે. સિંધ પ્રાંતમાં સૌથી વધારે ૨૫૨ કેસ સામે આવ્યા છે. ફ્રાન્સમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૬૦૦ કેસ નોંધાયા છે. કુલ કેસની સંખ્યા અહીં ૧૨૬૧૨ પહોંચી ગઈ છે. મૃત્યુઆંક ૪૫૦ પહોંચી ગયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાઇરસને મહામારી જાહેર કરી છે. આ બીમારીને કારણે વિશ્વની અર્થવ્યવસ્થા પર પણ ભારે અસર થઈ છે.

ઇટલીમાં ૨૪ કલાકમાં ૬૦૦થી વધુનાં મૃત્યુ
સમગ્ર વિશ્વને ભરડામાં લેનારા કોરોના વાઇરસને કારણે વાઇરસના જનક ચીન કરતાં પણ યુરોપના દેશ ઇટલીની સ્થિતિ દયનીય છે. ઇટલીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઇરસને કારણે ૬૨૭ લોકોનાં મોત થયાં છે, જ્યારે દેશનો કુલ મૃત્યુઆંક ૪૦૩૨ થતાં હાહાકાર મચી ગયો છે. સ્થિતિ એટલી ગંભીર છે કે ઇટ‍લીમાં દફનવિધિ કરવા માટે કબ્રસ્તાન ખૂટી પડ્યાં છે. સામાન્ય પ્રજા ઘરમાં તાળાબંધીમાં છે ત્યારે સેનાએ દફનવિધિ કરવા માટે મેદાનમાં ઊતરવું પડ્યું છે. કોરોના વાઇરસથી પીડાતા જગતમાં ઇટલીમાં માનવખુવારી થઈ છે. ઇટલીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૨૭ જણનાં મોત થતાં કુલ મૃત્યુઆંક ૪૦૦૦ને પાર થઈ ૪૦૩૨ થયો છે. ઈરાનમાં વધુ ૧૪૯ લોકોનાં મોત થયાં છે. સ્પેનમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૧૨ લોકોનાં મોત થતાં કુલ મૃત્યુઆંક ૧૦૦૦ને પાર ૧૦૪૩ થઈ ગયો છે. પાકિસ્તાનમાં સંક્રમિતોની સંખ્યા ૫૦૦થી ઉપર થઈ ગઈ છે. સમગ્ર વિશ્વમાં કોરોનાને કારણે ચેપગ્રસ્ત થયેલાઓની સંખ્યા ૨,૫૮,૦૦૦ થઈ છે, જ્યારે ૧૧,૦૦૦ લોકોએ આ મહામારીમાં જીવ ગુમાવ્યા છે. અગાઉ ઇટલીમાં એક દિવસમાં ૪૬૫ અને એ પહેલાં ૪૨૭ લોકોનાં એક જ દિવસમાં મોત થયાં હતાં. ૮.૬ ટકાના મૃત્યુદર સાથે ઇટલીમાં કોરોનાએ મૃત્યઘંટ વગાડ્યો છે.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ કોરોના વાઇરસની ચપેટમાં
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સના એક સ્ટાફરને કોરોના વાઇરસનું સંક્રમણ થયું છે. ઉપરાષ્ટ્રપતિની ઑફિસમાં પોઇન્ટમૅન તરીકે તહેનાત આ વ્યક્તિ વૉશિંગ્ટનમાં કોરોના વાઇરસના કેસની તપાસ કરી રહ્યા હતા. એક પ્રવક્તાએ જણાવ્યા પ્રમાણે, તેમની ટેસ્ટમાં કોરોના વાઇરસથી સંક્રમિતનો રિપોર્ટ આવ્યો છે. જોકે ઉપરાષ્ટ્રપતિનાં સેકેટરી કેટી મિલરે જણાવ્યું કે, સંક્રમિત કર્મચારી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ કે ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સના સંપર્કમાં આવ્યા નહોતા. તેમના સંપર્કમાં જે કોઈ પણ આવ્યા છે તેમની તપાસ કરવામાં આવી રહી છે. અમેરિકી લીડરશિપના ઇનર સર્કલમાં કોરોના વાઇરસના સંક્રમણનો આ સૌથી પહેલો કેસ છે. આ દરમ્યાન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસ સામે લડવા માટે અમેરિકાની તૈયારીઓ વિશે પ્રેસ-કૉન્ફરન્સ પણ કરી હતી. મહત્તનું છે કે અમેરિકાના સૌથી મોટા રાજ્ય કૅલિફૉર્નિયામાં લોકોને કારણ વગર ઘરની બહાર ન નીકળવાનો આદેશ આપી દેવાયો છે.