કોરોના વાઈરસના ડરે મંદિરને પણ છોડયું નથી. મંદિરમાં ભક્તોની મોટી ભીડ રહે છે. સ્વામિનારાયણના મંદિર ફક્ત ભારતમાં જ નહીં વિશ્વભરમાં છે. કોરોના વાઈરસ વિશ્ર્વભરમાં ઝડપથી ફેલાયો છે તે ધ્યાનમાં લઈને દુનિયાભરના સ્વામિનારાયણ મંદિર બંધ કરવા શનિવારે જાહેરાત કરાઈ હતી. વધુ ઓર્ડર નહીં આવે ત્યાં સુધી તમામ રૂટિન પ્રવૃત્તિ બંધ રહેશે. ભક્તો, મુલાકાતીઓ, કાર્યકરોના આરોગ્યની સુરક્ષા ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોવિદ-૧૯ને વૈશ્ર્વિક મહામારી જાહેર કરી હતી. વિશ્ર્વભરમાં ૫૦૦૦થી વધુ મોત થયા છે. બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બાપ્સ) અમેરિકામાં ૧૦૦ મંદિરનું સંચાલન કરે છે. હજારો ભક્તો મંદિરની મુલાકાત લે છે. મોટી ભીડ ભેગી નહીં થાય તે માટે સાવચેતીના પગલાં લેવાયા છે. ભક્તો વેબસાઈટ થકી દૈનિક દર્શનનો લાભ લઈ શકશે. સ્વામિનારાયણ મંદિરના સંતો માર્ગદર્શન-પ્રવચન આપવાનું ચાલુ રાખશે. ઓર્ગેનાઈઝેશન જ્યાં મંદિર છે ત્યાંની લોકલ ઓથોરિટીના સતત સંપર્કમાં છે. વાઈરસ સામેની લડતમાં શક્ય તે તમામ મદદ કરશે.
Monday, March 16, 2020
New
