લખપત તાલુકાના રાવળેશ્વરમાં કોલસો પાડતા
બે મજુરના ઝઘડામાં એકની હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યાના બનાવને અંજામ આપનાર
અને મૃતક બંને ભચાઉના વતની હોવાનું બહાર આવ્યુ છે. આ બનાવ અંગે દયાપર પોલીસ દ્વારા
વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હત્યાના આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર, લખપતના રાવળેશ્વરના
સીમાડે કોલસાની ભઠ્ઠી ફેરવવા બાબતે મજુરો વચ્ચે ઝઘડો થયો હતો જેમાં એક મજુરની હત્યા કરી નાખવામાં આવી હતી. ગત રોજ બપોરના બે વાગ્યાના અરસામાં આ
બનાવ બન્યો હતો. મોડી સાંજે દયાપર પોલીસ માથકે હત્યાનો આ બનાવ પોલીસ ચોપડે ચડયો
હતો. મરણ જનાર ૩૫ વર્ષિય અયુબ સાલે સંઘાર ભચાઉનો વતની છે. મૃતક બે માસથી રાવળેશ્વર
ગામના જુમા ઉમર જત પાસે ગાંડા બાવળની કાપણી કરી કોલસો પાડવાનું કામ કરતો હતો. અયુબ
અને તેનો મોટોભાઈ રમજાન તેમજ રમજાનનો સાળો સમીર ઉર્ફે નસીબ હાજી નકુમ અને અયુબનો
કૌટુંબીક ભાઈ અનવર પણ જુમા જત માટે કોલસો પાડવાનું કામ કરતા હતા. ગત રોજ બપોરના
કોલસાની ભઠ્ઠી ફેરવવા મુદે અયુબ અને સમીર વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં સમીરે
ઉશ્કેરાઈને અયુબના માથામાં પાછળના ભાગે લાકડાથી ફટકો માર્યો હતો. જેમાં, અયુબને માથામાંથી લોહી નીકળતા જુમાભાઈ અયુબને લઈ સારવાર માટે દવાખાનામાં
ખાનગી ડોકટર પાસે સારવાર માટે લઈ ગયા હતા. ડોકટરે સારવાર આપી હતી અને ત્યારબાદ
જુમાભાઈ અયુબને લઈને દયાપરની બજારમાં ચા ની રેંકડી પર ચા પીતા હતા ત્યારબાદ અયુબે
પોતાને ગભરામણ થતી હોવાનું કહ્યુ હતુ અને પછી અયુબ ઢળી પડયો હતો. અને મોતને ભેટયો
હતો. મૃતક અયુબને દયાપરની સરકારી હોસ્પીટલમાં ખસેડયો હતો જયાં પીએમ રિપોર્ટમાં
બહાર આવ્યુ હતુ કે, અયુબને માથાના પાછળના ભાગમાં ઉંડા ઘા થી આંતરિક ઈજા થઈ હતી જેના પગલે
તેનું મોત નિપજયુ હતુ. બનાવના પગલે અયુબના ભાઈ રમજાને સમીર સામે દયાપર પોલીસ માથકે
આઈપીસી ૩૦૨હેઠળ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી.
Saturday, March 21, 2020
New
