New

ભુજના સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ
ઈન્સ્ટીટયુટમાં વિદ્યાર્થિનીઓના કપડા ઉતરાવીને માસિક ધર્મમાં છે
કે નહી ? તેની તપાસ
કરવાની શરમજનક ઘટના વખતે સ્વામિનારાયણ સંતો વિરૂદ્ધ પોતાનો અભિપ્રાય આપનાર સંસ્થાના જ પૂર્વ ટ્રસ્ટીને એક શખ્સે
કટકા કરીને મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ મુળ
માંડવીના પિયાવા ગામના શખ્સને યુપીમાંથી ઝડપી લેવાયો છે. કચ્છના લેવા પટેલ સમાજના અગ્રણી
રામજીભાઈ રવજીભાઈ પટેલએ ગત તા.૧૮ ફેબ્રુઆરીના રોજ એક શખ્સે તેને ફોન
કરીને સંતો વિરૂદ્ધ કેમ
બોલે છે ? કહી ગાળો
કાઢી કટકા કરી મારી નાંખવાની ધમકી આપી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. માસિક
ધર્મકાંડ બાદ જે તે સંસ્થાના પૂર્વ ટ્રસ્ટી એવા આર.આર. પટેલે ભુજ
મંદિરના સંતોની રૂઢિવાદી નીતિ આ બનાવ માટે જવાબદાર હોવાનું અને ભણતરને ધર્મ સાથે ન
જોડવાનો અભિપ્રાય આપ્યો હતો. જેના કારણે આ ધમકી અપાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું
હતું. દરમિયાનમાં મોબાઈલ નંબરના આાધારે પોલીસે તપાસ હાથ ધરતા મુળ માંડવીના પિયાવા
ગામના અને એમપીના રાજગઢની એક કંપનીમાં બાંધકામનો કોન્ટ્રાક્ટ ધરાવતા નાનજી મેઘજી
હિરાણી(ઉ.વ.૪૩)નું નામ બહાર આવ્યું હતું. આ શખ્સની પોલીસે યુપીમાંથી ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ શખ્સે પોતાના ડ્રાઈવર થાનસિંહ રાજપૂતના મોબાઈલ
નંબરમાંથી ફોન કરીને આ ધમકી આપી હતી. પોલીસે આ શખ્સ સામે ધોરણસરની કાર્યવાહી હાથ
ધરી છે.