દીન દયાળ પોર્ટ કંડલા દ્વારા વાડીનાર બંદરે
૧૨ કરોડના ખર્ચે બહારથી મુરીંગ લોંચ અને ખાનગી કામદારો લેવાના નિર્ણયની સામે હિન્દ
મજદૂર સંદ્ય (એચએમએસ) લાલધૂમ થયો છે. એચએમએસ કામદાર યુનિયનના મહામંત્રી
મનોહર બેલાણીએ આ મુદ્દે પોર્ટના ચેરમેનને નોટિસ આપી છે. વાડીનાર બંદરે આવતા જહાજો
દ્વારા ઓઇલની હેરફેર કરવામાં આવે છે. યુનિયનના મનોહર બેલાણીના જણાવ્યા પ્રમાણે
વાડીનાર મધ્યે કંડલા પોર્ટ અંતર્ગત ફ્લોરિટા પોર્ટના કામદારો દ્વારા શિપિંગ
મુવમેન્ટ કરવામાં આવે છે. પણ, હવે આ કામગીરીનું પોર્ટ દ્વારા ખાનગીકરણ કરાઈ રહ્યું છે. ગત ૧૭ તારીખની
મિટિંગમાં પોર્ટે આ નિર્ણય કર્યો છે. અહીં સરકારી ઓઇલ કંપનીઓ ઉપરાંત એસ્સાર દ્વારા
ઓઇલની હેરફેર વધી છે. પણ, ઇરાદાપૂર્વક કંડલા પોર્ટ દ્વારા ક્રાફટ ટગ, મુરીંગ લોંચ તેમ જ જરૂરી કામદારોની ભરતી
કરાતી નથી. હવે, ખાનગીકરણના ભાગ રૂપે બહારથી મુરીંગ લોંચ તેમ જ મજદૂરો ભાડે લઈને ૧૨ કરોડ
રૂપિયાનો ભારે ખર્ચ કરાશે. જે જરૂરિયાત થી વધુ છે. મરીન વિભાગ માં જયારે જરૂરી
સુવિધા અને કામદારો ઉપલબ્ધ હોય ત્યારે આ રીતે ખાનગીકરણ કરી શકાતું નથી. ખાનગીકરણથી પોર્ટના કામદારોને કામ મળવાનું
બંધ થશે. કંડલા પોર્ટનો આ નિર્ણય ગેરકાનૂની અને નિયમની વિરુદ્ઘ છે. કંડલા પોર્ટના
આ નિર્ણય સામે કામદારોમાં ભારે આક્રોશ છે. આ સંદર્ભે એચએમએસ યુનિયને પોર્ટને
મુરીંગ લોંચ ખરીદવા માટે ૨૬ માર્ચ સુધી અલ્ટીમેટમ આપ્યું છે. જો, પોર્ટ નિર્ણય નહીં લે તો, ૨૭ માર્ચથી વાડીનાર તેમ જ કંડલા પોર્ટ મધ્યે
ફ્લોરિટા કામદારો હડતાલ પર જશે. આ હડતાલ થી પોર્ટની શિપિંગ પ્રવૃત્તિને થનારી અસરની સંપૂર્ણ જવાબદારી પોર્ટ
પ્રશાસનની રહેશે.
Friday, March 13, 2020
New
