કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કચ્છ સહિત ગુજરાતમાં પણ આ વાયરસનો ચેપ ન ફેલાય તે માટે યુદ્ધના ધોરણે પગલા લેવાયા છે. કચ્છમાં લોકડાઉનની સ્થિતિ છે તેવામાં પરિવાર સાથે દુબઇ ફરી આવેલા કંડલા પોર્ટનાં કર્મચારીની પોર્ટમાં નોકરી કરતા હોવાની તસવીરો વાયરલ થતા હડકંપ મચી ગયો છે.એક તરફ અકિલા કચ્છનાં તંત્ર દ્વારા તેમના પરિવારને હોમ ક્વેરિનટાઈન કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે હકીકતમાં આ કર્મચારીએ આજ દિવસ એટલે કે તારીખ 23મી માર્ચ સુધી પોર્ટમાં નોકરી કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થતા અન્ય કર્મચારીઓમાં પણ ખોફનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સુત્રોનાં જણાવ્યા પ્રમાણે, કંડલા પોર્ટમાં નોકરી કરતો કર્મચારી તેના સહિત પરિવારનાં ચાર સભ્ય તારીખ ત્રીજી માર્ચે દુબઇ ફરવા ગયા હતા. ત્યારબાદ આઠ તારીખે પરત આવ્યા પછી કંડલા પોર્ટમાં નોકરી પણ કરી હતી. તેમના પત્ની પણ ગાંધીધામની એક સ્કૂલમાં ફરજ બજાવે છે. દુબઈના તેમના પ્રવાસ અંગે તંત્રને ખબર પડતાં તારીખ 10મી માર્ચના રોજ તેમનાં ઘરે તપાસ માટે પણ આવ્યા હતા. જોકે તે વખતે તેમને તપાસ કરવાની કે હોમ કોરોનટાઈન કરવાની વાત સુદ્ધા કરવામાં આવી ન હતી, પરંતુ દેશભરમાં, ખાસ કરીને કચ્છમાં એક કોરોનાનો એક પોઝિટિવ કેસ મળી આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. અને આ દોડધામમાં જ માત્ર સરકારી કામગીરી દેખાડવાના આશયથી તેમના ઘરે જઈને બહાર પોસ્ટર ચિપકાવી દીધું હતું કે, આ પરિવાર હોમ ક્વેરિન્ટાઈન હેઠળ છે. જેની જાણ આ કર્મચારીને તેમના ઘરેથી ફોન આવ્યો ત્યારે ખબર પડી હતી. જેને પગલે તેમની સોસાયટી તેમજ પોર્ટ કર્મચારીઓને પણ આજે સોમવારે જ આ હકીકતની જાણ થઈ હતી. કંડલા પોર્ટના જે કર્મચારીને હોમ ક્વેરિન્ટાઈન કરવાની હકીકત બહાર આવી છે તેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા એવા પણ થયા છે જેને લઈને ન માત્ર પોર્ટનાં કર્મચારીઓ પરંતુ પોર્ટ પ્રસાશનનાં અધિકારીઓ પણ હડકંપ મચી ગયો છે. આઠમી માર્ચના રોજ દુબઈથી ભારત-ગાંધીધામ આવ્યા પછી આ કર્મચારીએ ન માત્ર નોકરીએ જવાનું શરૂ કર્યું હતું પરંતુ દસમી માર્ચના રોજ યુનિયનના એક દેખાવ કાર્યક્રમ અંતર્ગત કંડલા પોર્ટના ચેરમેનની ચેમ્બરમાં પણ ગયા હતા. તેમની સાથે કેપીટીનાં બે લેબર ટ્રસ્ટી ઉપરાંત મોટી સંખ્યામાં કર્મચારીઓ પણ જોડાયા હતા. જેને કારણે દસમી માર્ચથી 23મી માર્ચ સુધી આ કર્મચારી સાથે જે લોકો સંપર્કમાં આવેલા છે તેઓ પણ હવે કોરોના વાયરસને લઈને ચકાસણી કરાવવી કે નહીં તેની મૂંઝવણમાં પડી ગયા છે.
Tuesday, March 24, 2020
New
