પાટનગર દિલ્હીમાં 16 ડિસેમ્બર,
2012માં થયેલાં નિર્ભયા
કાંડમાં લગભગ સવા સાત વર્ષે ન્યાય મળ્યો છે. તિહાર જેલમાં આજે સવારે 5.30 વાગે એક સાથે 32 વર્ષીય મુકેશ, 25 વર્ષના પવન, 26 વર્ષના વિનય અને 31 વર્ષના અક્ષયને ફાંસી આપવામાં આવી હતી.દોષિતોના
વકીલ એપી સિંહે છેલ્લી ઘડી સુધી બચાવવાના તમામ પ્રયત્નો કર્યા હતા પરંતુ એકમાં પણ
તેમને સફળતા ન મળી. મોડી રાત સુધીમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ફાંસી પર સ્ટે
લાવવાની અરજી ફગાવી દેતા હવે ચારેય દોષિતોને ફાંસીનો રસ્તો સાફ થઈ ગયો હતો.
આશાદેવી : નિર્ભયાના દોષિતોને ફાંસી અપાવીને મેં માતૃત્વ ધર્મ પૂર્ણ કર્યો
નિર્ભયાના ચારેય દોષિતોને ફાંસી મળ્યા બાદ
નિર્ભયાની માતા-પિતાએ પ્રતિક્રિયા આપી. નિર્ભયાની માતાએ સૌ પ્રથમ કહ્યું કે તે
નિર્ભયાને બચાવી શકી નથી. પરંતુ ન્યાય ચોક્કસ અપાવ્યો છે. મોડા મોડા પણ આખરે
નિર્ભયાને ન્યાય મળ્યો છે, નિર્ભયાના દોષિતોને ફાંસી આપીને મેં માતૃત્વ ધર્મ
પૂર્ણ કર્યો છે.
દોષિતોને ફાંસી અપાયા બાદ દીકરીની તસવીર ગળે લગાવી
દોષિતોને ફાંસી અપાયા બાદ દીકરીની તસવીર ગળે લગાવી
હતી. તેમણેએ કહ્યુ કે સાત વર્ષ સુધી જે સંઘર્ષ ચાલ્યો તે આજે કામ આવ્યો. નિર્ભયાના
દોષિતોને આપવામાં આવેલી ફાંસી બાદ નિર્ભયાના પિતા બદ્રીનાથે પ્રતિક્રિયા આપી હતી.
તેમણે જણાવ્યુ હતુ કે, આજે દેશ અને મહિલા સુરક્ષા માટે મોટો દિવસ છે.
નિર્ભયાનું દુઃખ અમારો સંઘર્ષ બન્યો. અંતે લાંબી લડાઈ બાદ દોષિતોને સજા આપવામાં
આવી છે. પરંતુ મોડે-મોડે અમને ન્યાય મળ્યો છે.
છેલ્લી કલાક સુધી બચવા માટે હવાતિયા માર્યા
સુપ્રીમ કોર્ટમાં દોષી પવન ગુપ્તાની ક્યુરેટિવ
પિટીશન પર ગુરૂવારના રોજ 6 જજોની ચેમ્બરમાં સુનાવણી હાથ ધરવામાં આવી. અરજીમાં
પવન ગુપ્તાની દલીલ કરી હતી કે ગુના સમયે તે નાબાલિગ હતા. પવન ગુપ્તાએ આ પહેલા પણ સુપ્રીમ કોર્ટમાં
પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. ત્યારે પવને અપરાધ સમયે નાબાલિક હોવાની દલીલ કરતા
તેની માગને ફગાવી દેવાના આદેશને પડકારી હતી. સુપ્રીમ કોર્ટે ત્યારે પણ અરજી ફગાવી
દીધી હતી. ત્યાર બાદ દોષીના વકીલ એપી સિંહે આંતરરાષ્ટ્રીય કોર્ટને
પણ પત્ર લખી ફાંસી અટકાવવા માટે અને તમામ રેકોર્ડ પોતાની પાસે મગાવવાની અરજી કરી
હતી. પાંચમી માર્ચે દિલ્હીની ટ્રાયલ કોર્ટે ચારેય
અપરાધીઓને 20મી તારીખે ફાંસીએ લટકાવવા માટે ડેથ વોરંટ જાહેર કરી દીધુ હતું. આ
કેસમાં અત્યાર સુધીમાં ચાર વખત ડેથ વોરંટ ઇશ્યુ કરાયા હતા. જેનો આખરે આજ અમલ થયો.
ફાંસીનો સમય નજીક આવતા ચારેય અપરાધીઓ આકુળ વ્યાકુળ થયા હતાઅને બચવા માટે હવાતિયા
મારી રહ્યા હતા.
આજનો દિવસ નિર્ભયા દિવસ તરીકે મનાવવામાં આવે
નિર્ભયાની માતાએ સરકાર
સમક્ષ માંગ રાખી છે કે નિર્ભયાના દોષિતોના ફાંસીનો દિવસ નિર્ભયા દિવસ તરીકે
મનાવવામાં આવે. પોતાના આઠ વર્ષના સંઘર્ષને લઈને નિર્ભયાની માતાએ કહ્યું કે, આટલા લાંબા સમયમાં કાયદાની ઘણી ખામીઓને નજીકથી જોઈ
પરંતુ કાનુન પર અમને સંપૂર્ણ વિશ્વાસ હતો અને તે કારણે જ અમે સતત ન્યાય માટે લડતા
રહ્યાં. નિર્ભયાની માતાએ કહ્યું કે, દોષિતોને ફાંસી મળવા સુધીનો દરેક દિવસ અમારા માટે કોઈ સજાથી ઓછો
નહોતો. રોજ આંખમાં આશા જાગતી હતી કે આજે તો તે સમય આવશે જ્યારે નિર્ભયાના દોષિતોને
તેના કર્મોની સજા મળશે.
