સરકાર દ્વારા આપવામાં આવેલી જમીનની ભાડાની રકમ ભરપાઇ ન કરાતા દેશલપર પાસે આવેલ ઘનશ્યામ પેટ્રોલ પંપ સીલ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Thursday, March 19, 2020

સરકાર દ્વારા આપવામાં આવેલી જમીનની ભાડાની રકમ ભરપાઇ ન કરાતા દેશલપર પાસે આવેલ ઘનશ્યામ પેટ્રોલ પંપ સીલ



પેટ્રોલ પંપ માટે ભાડા પટેથી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી જમીન ઉપર ભુજ તાલુકાના દેશલપર ત્રણ રસ્તે ચાલતા ઘનશ્યામ પેટ્રોલિયમના સંચાલકો તરફથી લાંબા સમયથી લીઝની રકમ ભરપાઇ કરવામાં નહીં આવતા આખરે પેટ્રોલ પંપને સીલ કરી દેવાયો હતો. દેશલપર પોલીસ ચોકી પાસે નખત્રાણા રસ્તે આવેલા ઘનશ્યામ પેટ્રોલિયમ ઉપર મદદનીશ કલેકટર મનીષ ગુરવાણી સાથેની મહેસૂલી તથા પુરવઠા વિભાગની ટીમ અચાનક પહોંચી ગઇ હતી. પેટ્રોલ પંપની દરરોજ ધીકતી કમાણી થતી હોવાથી કચ્છના પ્રશાસન દ્વારા આજે ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવતા સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગેની વિગતો આપતાં આસી. કલેકટર શ્રી ગુરવાણીના જણાવ્યા પ્રમાણે રૂા. 1.43 કરોડની જમીનની ભાડાની રકમ ભરપાઇ કરવામાં આવી નથી મહેસૂલ કાયદાના નિયમો પ્રમાણે કચ્છના કલેકટર પ્રવીણા ડી.કે.એ આજે ઘનશ્યામ પેટ્રોલિયમને સીલ કરવાનો હુકમ કરતાં આજે સવારે પેટ્રોલ-ડીઝલનું વેંચાણ બંધ કરવામાં આવ્યું હતું. વેંચાણ બંધ કરાવીને પંપ, કચેરી વગેરેને સીલ કરી દેવામાં આવ્યા હતા. અગાઉ અત્યાર સુધીમાં સંચાલકોને નોટીસો પાઠવવામાં આવી હતી. છતાં જમીનના ભાડાની રકમ ભરપાઇ કરવામાં આવી નથી છેવટે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. આજની આ કાર્યવાહીમાં આસી. કલેકટર સાથે મામલતદાર યુ.એન. સુમરા, સર્કલ ઓફિસર એલ.બી. ડાભી, નાયબ મામલતદાર આર.વી. રાજપૂત વગેરે જોડાયા હતા. વહીવટી તંત્રની ટીમે પેટ્રોલ પંપને સીલ કરી પંપને રાજ્ય સરકાર હસ્તક લઇને વેંચાણ બંધ કરાવ્યું હતું. જ્યારે આ બાબતે સંચાલક મિતેશભાઇ ઠક્કરનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, નિયમિત ભાડાની રકમ અત્યાર સુધી ભરવામાં આવી છે પણ પાછળથી કરવામાં આવેલા ભાડા વધારા સામે વિસંગતતા છે બજાર કિંમત કરતાં પણ વધારે હોવાનું ઉમેર્યું હતું.