ગાંધીધામમાં પુત્રીના પ્રેમ સબંધથી નારાજ માતા - પિતા અને ભાઇએ કરી હત્યા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Monday, March 2, 2020

ગાંધીધામમાં પુત્રીના પ્રેમ સબંધથી નારાજ માતા - પિતા અને ભાઇએ કરી હત્યા

ગાંધીધામની કૈલાસ સોસાયટી પાસે રહેતી ભારતી રમેશ રાજગોર નામની યુવતીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. જોકે, આ બનાવમાં પોલીસને કંઈ અજુગતું બન્યું હોવાની શંકાને આધારે કરેલી તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો હતો. નોકરી દરમ્યાન મનોજ વાઘેલા નામના યુવાન સાથે લવ અફેર થયા બાદ ભારતી તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. પણ પિતા રમેશ, માતા રશ્મિબેન અને ભાઈ મનીષ ભારતીના અન્ય જ્ઞાતિના યુવાન સાથેના પ્રેમ અને લગ્નની વાતથી નારાજ હતા. એટલે, તેમણે આ અંગે ભારતીને ટોકી હતી. પણ પ્રેમી સાથે જ વિવાહની ભારતીની જીદને કારણે ઘરમાં તેનો માતા, પિતા અને ભાઈ સાથે મોટો ઝઘડો થયો હતો. આ પ્રેમ સબંધ અંગે પરિવારજનોના વિરોધને ભારતીએ દાદ ન આપતાં ઉશ્કેરાયેલ માતા રશ્મિબેને પુત્રી ભારતીની છાતી ઉપર બેસી તકીયા વડે તેણીનું ગળુ દબાવ્યું હતું, આ સમયે પિતા રમેશ અને ભાઈ મનિષે પણ ભારતીને મારવામાં મદદ કરી હતી. હત્યા કર્યા બાદ ભારતીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકાવી દઈને તેણીએ આત્મહત્યા કરી હોવાનો દેખાવ કરીને આ બનાવને આત્મહત્યાના બનાવમાં ખપાવવા પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં ભાઈ મનિષે આત્મહત્યાના બનાવના ફોટાઓ પણ લીધા હતા. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે આ બનાવનો પર્દાફાશ કરીને ત્રણેયની અટક કરી લીધી છે.