કૂવા
ખાતે ધોરિયા વડે પાણી લઇ જવા માટે 1900 મીટર જમીન ભાડા પેટે મેળવવાની માગણી
કરનારા અરજદાર પાસેથી આ કામના બદલામાં રૂા. 10 હજારની લાંચ લેતા નખત્રાણા મામલતદાર
કચેરીના વર્ગ-3ના કર્મચારી કારકુન કેતનભારથી હરેશભારથી ગોસ્વામી અને રમેશભાઇ
અશોકભાઇ ભદ્રુ નામનો વચેટિયો રંગેહાથ ઝડપાઇ જતાં મહેસૂલી કર્મચારીઓમાં ચકચાર જાગી
છે. મહેસૂલી તંત્રને લગતા વિવિધ કામકાજનો વ્યવસાય કરતા આ કેસના ફરિયાદી પાસેથી આજે
નખત્રાણા મામલતદાર કચેરીમાં કારકુન કેતનભારથી ગોસ્વામી અને તેનો સાગરીત એવો
વચેટિયો નખત્રાણાના રામદેવનગરમાં રહેતો રમેશ ભદ્રુ કહેવાતી લાંચની રૂા. 10 હજારની રકમ
સ્વીકારી રહ્યા હતા ત્યારે અગાઉથી ગોઠવેલા છટકામાં લાંચ રુશ્વત વિરોધી ભુજ એકમે
તેમને બન્નેને આબાદ ઝડપી લીધા હતા. એસીબીના સાધનોએ કેસની ફરિયાદને કેન્દ્રમાં રાખીને આ વિગતો આપતાં
જણાવ્યું હતું કે, કેસના ફરિયાદી દ્વારા બે ગુંઠા જમીન ઉપર બનાવાયેલા કૂવામાં પાણી
લઇ જવા ધોરિયો બનાવવા માટે 1900 મીટર જમીનની ભાડાપટ્ટે માગણી કરી હતી. આ કામના બદલામાં કારકુન
ગોસ્વામીએ રૂા. 10 હજાર માગ્યા હતા. આ દરમ્યાન ફરિયાદીએ એસીબી સમક્ષ ફરિયાદ કરતાં
આ સફળ છટકું આજે કચેરીમાં ગોઠવાયું હતું. રકમ સ્વીકાર્યા બાદ કારકુને તે વચેટિયાને
સુપરત કરી ત્યારે જ એસીબી ટુકડી ત્રાટકી હતી. એસીબી ભુજ એકમના ઇન્સ્પેકટર પી.કે.
પટેલ સાથે સ્ટાફના સભ્યો છટકાની કાર્યવાહીમાં જોડાયા હતા.
Saturday, March 21, 2020
New
