અંજાર નગરના મુંદરા - ખેડોઈ માર્ગ પર સરકારી જમીન પર
વ્યાપકપણે ખડકાઈ ગયેલા દબાણો પર તંત્રએ આખરે આજે બુલડોઝર ફેરવી દીધું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર સાતેક હોટલના દબાણો દુર કરવામાં આવ્યા હતા. અંજાર પ્રાંત અધિકારીની આગેવાની હેઠળ મામલતદાર, પોલીસ સહિતના વિભાગના કાફલાએ આજે દબાણ
હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. ખેડોઈ માર્ગ પરની સાત જેટલી હોટલના કાચા-પાકા દબાણો
તંત્રએ દુર કર્યા હતા. તંત્રએ જણાવ્યું હતું કે, આ આસામીઓને
અગાઉ નોટીસ આપવામાં આવી હતી. ત્યાર બાદ ત્રણ દિવસની મૌખિક મુદ્દત પણ અપાઈ હતી. છતા
જગ્યા ખાલી કરવામાં ન આવતા આખરે આજે ડીમોલીશન કરાયું હતું. અલબત, લોકોમાંથી ઉઠતા સૂર અનુસાર દરેક વખતે આવી
રીતે બે-ચાર દિવસ કાર્યવાહી કર્યા બાદ તંત્ર પાણીમાં બેસી જાય છે. થોડા સમયમાં
ખાલી કરાયેલી જગ્યામાં ફરી દબાણો ખડકાઈ જાય છે. ત્યારે દબાણો હટાવ્યા બાદ ખુલ્લી
થયેલી જગ્યાને સુરક્ષિત કરવા પણ તંત્ર કંઈક કાર્યવાહી કરે અને આખા અંજારમાં આવેલા
દબાણો આવી રીતે કોઈની શેહ-શરમ વગર તોડી પાડવામાં આવે તે જરૂરી છે.
Thursday, March 12, 2020
New
