કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી
અસામાજિક તત્વો ઘ્વારા વિન્ડ ફાર્મ ક્ષેત્રે કામ કરતી કંપનીઓ પાસેથી ખંડણી સ્વરૂપે
રૂપિયા માંગવાની તથા તેમની મશીનરીને નુકશાન પહોંચાડવાની ઘટનાઓ વધી રહી છે તેવામાં
નખત્રાણા તાલુકાનાં સુખપર રોહા ગામે ટાવર કાપ્યા બાદ હવે વાયર ચોરીની ઘટના બની છે.
નખત્રાણા
પોલીસમાં કરવામાં આવેલી રજુઆત પ્રમાણે, સુખપર રોહા ખાતેની ગામની
સીમમાંથી 220 કેવીની લાઈનનો વાયર કાપીને લાખો રૂપિયાની ચોરીને અંજામ આપવામાં
આવ્યો છે. અગાઉ આજ જગ્યાએ તારીખ ૧૮/૦૨/૨૦૨૦ની રાતે કેટલાક શખ્સો દ્વારા મોટા
ટાવરને કાપીને ધરાશાયી કરવાનું કાવતરું કરવામાં આવ્યું હતું. જેમાં ટાવરના બે પગ કાપ્યા પછી
વાયર તૂટીને પીજીવીસીએલની લાઈન ઉપર પડ્યો હતો. જેને કારણે ધડાકાભેર લાઈનો તૂટી ગયી
હતી અને ભુજ-નલિયા હાઇવે ઉપર ટ્રાફિક પણ જામ થયી ગયો હતો. હજુ આ ઘટના પોલીસ
ગુનેગારો સુધી પહોંચી નથી તેવામાં ફરી એકવાર આ જ જગ્યાએ પડેલા વાયરોને કાપીને ચોરી
કરી લેવામાં આવી છે. એક જગ્યાએ બીજીવાર આ પ્રકારના સુનિયોજિત કાવતરાને અંજામ આપીને
ગુનેગારો જાણે કે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
અબડાસાનાં કુખ્યાત શખ્સનો હાથ
સૂત્રોનું
માનીએ તો હાઇવે નજીક આ રીતે કાવતરાને અંજામ આપવા પાછળ ભૂતકાળમાં દાણચોરી સાથે
સંકળાયેલા અબડાસાના એક કુખ્યાત વ્યક્તિનો હાથ હોવાનું બહાર આવી રહ્યું છે. આડકતરી
રીતે ખંડણી સ્વરૂપે લાખો રૂપિયાની માંગણી ન સંતોષતા આ શખ્સ દ્વારા કંપનીને મિલકતને
નુકશાન પહોંચાડી ગર્ભિત રીતે ધમકી આપવામાં આવી રહી હોવાનું પણ સૂત્રોએ ઉમેર્યું
હતું.
Saturday, March 14, 2020
New
