નીલપર ગામની સીમમાં એક વાડીમાં પોલીસે છાપો મારી ભૂગર્ભ ટાંકામાંથી રૂા. 11,36,160નો અંગ્રેજી શરાબનો જથ્થો હસ્તગત કર્યો હતો, પરંતુ ચાર પૈકી એકેય આરોપી પોલીસના હાથમાં આવ્યો ન હતો. નીલપર ગામમાં રહેનારા રમેશ કુંભા કોળીની વાડીએ એક મોટો ભૂગર્ભ ટાંકો બનાવી તેમાં દારૂ સંતાડાયો હોવાની પૂર્વ બાતમીના આધારે રાપર પોલીસે મોડી રાત્રે અહીં છાપો માર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, નીલપરની સીમમાં આવેલી આ વાડીમાં એક મકાનનું બાંધકામ ચાલુ હતું. આ બનતા મકાનની દક્ષિણ તરફની દીવાલ બાજુ તપાસ કરાતાં તાજું ખોદકામ તથા તેના ઉપર માટી વાળેલી નજરે પડી હતી. આ માટીને પાવડા વડે હટાવી તપાસ કરાતાં બે ફૂટ નીચે લોખંડનું ઢાંકણું બહાર આવ્યું હતું. આ ઢાંકણામાં લાગેલું તાળું તોડી હાથબત્તી વડે અંદર નજર કરાતા તેમાં શરાબની પેટીઓ ગોઠવાયેલી હોવાનું જણાયું હતું. આ ભૂગર્ભ ટાંકામાંથી પાર્ટી સ્પેશ્યલ 750 એમએલની 1380 બોટલ, મેક્ડોવેલ નંબર-1ની 750 એમએલની 255 બોટલ તથા રોયલ ચેલેન્જની 750 એમએલની 168 બોટલ તથા ક્રેઝી રોમિયોના 180 એમએલના 1785 ક્વાર્ટરિયા એમ કુલ રૂા. 11,36,160નો શરાબનો જથ્થો હસ્તગત કરવામાં આવ્યો હતો. આ દરોડા દરમ્યાન નીલપરનો રમેશ કુંભા કોળી, કુખ્યાત બુટલેગર રાપરનો પુના ભાણા ભરવાડ, પલાંસવાનો રામા વજા ભરવાડ અને મેદીયો કોળી નામના શખ્સો પોલીસના હાથમાં આવ્યા ન હતા.
Tuesday, March 3, 2020
New
