રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા નો અનુભવ કરાવતા ભુજના પ્રાગમહેલ અને આઇના મહેલની મુલાકાત લીધી હતી. ભુજ શહેરની આન-બાન-શાન સમાન પ્રાગમહેલની મુલાકાત વેળાએ કુંવરશ્રી ઇન્દ્રજીતસિંહ જાડેજા, દેવપર ઠાકોર સાહેબશ્રી કૃતાર્થસિંહ જાડેજા તેમજ તેરા સાહેબશ્રી મયુરધ્વજસિંહ જાડેજાએ રાજ્યપાલશ્રીનું પુષ્પગુચ્છ, કચ્છી સાલ અને મોમેન્ટો આપી આવકાર્યા હતા.
પ્રાગમહેલનું સર્જન રાવ પ્રાગમલજીએ ઈટાલીથી કારીગર બોલાવીને ઈટાલીની ગોથિક શૈલીમાં બંધાકામ કરાવેલ હતું. પ્રાગમહેલ કચ્છના અજોડ સ્થાપત્ય કલાનો નમૂનો છે. અદભુત સૌંદર્ય ધરાવતા પ્રાગમહેલની સ્થાપત્ય કળાને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ઝીણવટભરી નજરે નીહાળી હતી. પ્રાગમહેલ બાદ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આઇના મહેલની મુલાકાત લીધી હતી. આઇના મહેલની મુલાકાત વેળાએ હનુમંતસિંહજી જાડેજા, મોહનભાઇ શાહ અને નારણજી જાડેજાએ આવકાર્યા હતા અને આઇના મહેલના ઇતિહાસ અને સ્થાપત્ય કળા અંગે માહિતગાર કર્યા હતા. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આઇના મહેલના અરીસાઓ, જૂના ચિત્રો, ટાઇલ્સ, શાહી પરિવારની વસ્તુઓ, જૂની તલવારો જેવી અનેક સ્થાપત્ય કળાની ચીજવસ્તુઓ નીહાળી હતી. પ્રાગમહેલ અને આઇના મહેલની મુલાકાત વેળાએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત ડાયરીમાં કચ્છની મુલાકાત અંગેનો તેઓના અનુભવો પણ વર્ણવ્યા હતા. આઇના મહેલ ખાતે હનુમંતસિંહજી જાડેજાએ કચ્છના ઇતિહાસ આધારિત પુસ્તક રાજ્યપાલશ્રીને અર્પણ કર્યું હતું. રાજ્યપાલશ્રીની આ મુલાકાત વેળાએ કચ્છ કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કે.,નાયબ કલેક્ટરશ્રી કાથડ જોડાયા હતા.