રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કચ્છ જિલ્લાની મુલાકાતના બીજા દિવસે ભુજ તાલુકાના રેલડી મુકામે આશાપુરા એગ્રો ફાર્મની મુલાકાત લઇ જાત નિરીક્ષણ કર્યું હતું. આશાપુરા એગ્રો ફાર્મ કચ્છ જિલ્લામાં આધુનિક ખેતી માટે પ્રખ્યાત છે જ્યાં ઇઝરાયેલની ખેત પદ્ધતિના આધારે ખેતી કરવામાં આવી રહી છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અહીં સજીવ ખેતી, ડ્રીપ ઇરીગેશન, જીવામૃતના ઉપયોગથી ઉત્પાદન થતા પાકોના યુનિટની મુલાકાત લીધી હતી. આશાપુરા એગ્રો ફાર્મમાં થતાં ખારેક, કેસર કેરી, ડ્રેગન ફ્રુટ, લિંબુ, સક્કરીયાના યુનિટોની મુલાકાત લઇ જાત નિરીક્ષણ કર્યું હતું. પૂર્ણ યંત્ર સંચાલિત ગ્રીન હાઉસની અંદર થતાં કેપ્સીકમ, કાકડી, ઓર્ગેનીક પપૈયા વિગેરે યુનીટની પણ મુલાકાત લઇ કચ્છ જિલ્લામાં ખેતી ક્ષેત્રમાં થઇ રહેલા વિકાસ કાર્યો અંગે અવગત થયા હતા. આશાપુરા એગ્રો ફાર્મની મુલાકાતના અંતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ખુશીની લાગણી વ્યક્ત કરી અને કચ્છ જિલ્લામાં પણ આ પ્રકારે અત્યાધુનિક સાધનોના ઉપયોગ અને પર્યાવરણને અનુકૂળ ખેતી થઇ રહી હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉઝબેકિસ્તાન દેશના પ્રવાસે ગયા હતા. આ પ્રવાસમાં સમગ્ર ગુજરાતમાંથી ત્રણ ખેડૂતોને પણ પ્રવાસમાં જોડવામાં આવ્યા હતા તેમાં આશાપુરા એગ્રો ફાર્મના હરેશભાઇ ઠક્કર પણ સામેલ હતા. આ પ્રવાસ બાદ ઉઝબેકિસ્તાનનું ડેલીગેશન પણ કચ્છની મુલાકાતે આવ્યું હતું ત્યારે આશાપુરા એગ્રો ફાર્મની મુલાકાત લઇ કચ્છમાં થઇ રહેલ ખેતી અંગે માહિતી મેળવી હતી.
આશાપુરા એગ્રો ફાર્મની મુલાકાત વેળાએ આશાપુરા એગ્રોના સ્વ. જેઠાલાલ ઠક્કર પરિવારના હરેશભાઇ ઠક્કર, જીગ્નેશભાઇ ચંદે, વીરલભાઇ ચંદે, ડૉ. મુકેશ ચંદે, અખીલેશભાઇ અંતાણી, જિલ્લા બાગાયત ખેતીવાડી અધિકારીશ્રી મોઢ વગેરેએ પૂરક માહિતી પૂરી પાડ઼ી હતી. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની આશાપુરા એગ્રો ફાર્મની મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રભવ જોષી,પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસવડાશ્રી સૌરભ તૌલંબીયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી કે.એસ. ઝાલાસહિતના જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ જોડાયા હતા.