કચ્છ નર્મદા જળ અભિયાન સમિતિ દ્વારા ભુજ મધ્યે યોજાયેલી બેઠકમાં નર્મદા કેનાલનું કામ સરકાર ઝડપભેર હાથ ધરે તેવો સૂર સર્વસંમતિ સાથે સૌએ વ્યકત કર્યો હતો. રાજકીય, સામાજિક, કિસાન આગેવાનો અને સંતો તેમ જ બૌદ્ઘિકોને સંબોધન કરતા સમિતિના મહામંત્રી અશોક મહેતાએ જણાવ્યું હતું કે,ઙ્ગ મૂળ યોજના મુજબ નર્મદાનું પાણી કચ્છના અકિલા માંડવી તાલુકાના મોડકુબા સુધી પહોંચાડવાની વાત છે. પણ, મોડે મોડે શરૂ થયેલા કેનાલનું કામ ગોકળગાયની ગતિએ અંજારના વરસામેડી સુધી પહોંચ્યું છે.ત્યાં સુધી પાણી પણ મળી રહ્યું છે. પણ, અંજાર-મુન્દ્રા અને અકીલા મુન્દ્રા-માંડવી સુધી કેનાલનું કામ અધૂરું છે, જમીન સંપાદનના કારણે ૨૨ કિલોમીટર સુધી વચ્ચે કેનાલનું કામ અટકી ગયું છે. રાજય સરકાર આ માટે પ્રયાસો કરે તો જમીન સંપાદન માટે ખેડૂતો અને અન્ય આગેવાનો પણ મદદરૂપ બનશે. નર્મદાનું નિયમિત પાણી કચ્છના હક્કનું છે, તે હજીયે યોજનાની અધૂરી કામગીરીને કારણે કચ્છ સુધી પહોંચતું નથી. નર્મદા યોજના અનુસાર હવે સરકાર કચ્છને ફાળવાયેલા એક મિલિયન એકર ફિટ વધારાના પાણી માટે અત્યારથી જ આયોજન કરે તે જરૂરી છે. ૨૦૦૬ માં નર્મદાના વધારાના પાણી માટે કચ્છમાં વધારાની સાત જુદી જુદી લિંકો અને રિઝર્વ યોયરના કામો શરૂ કરવા ૪૮૧૪ કરોડના ખર્ચે આયોજન કર્યું હતું. પણ, આ કામ શરૂ થવાની જાહેરાત પછી ૧૪ વર્ષ થયાં હજીયે ૨૦૨૦ સુધી મુખ્ય બ્રાન્ચ કેનાલનું કામ અધૂરું છે તો, વધારાના પાણી માટેના કામો માટે કોઈ પણ પ્રકારની કામગીરી થઈ નથી. પરિણામે, દુષ્કાળ અને અછત થી પીડિત કચ્છના ખેડૂતો ખેતીથી વંચિત રહે છે. જો, આ આયોજન થાય તો હજીયે પાણી ખેતરો સુધી પહોંચતા ત્રણ થી ચાર વર્ષ લાગશે. એટલે સરકાર વહેલી તકે આનુ આયોજન કરે તો નર્મદા કચ્છની ખેતી અને પશુપાલન માટે જીવાદોરી બનશે. ૨૦૨૪ માં રાષ્ટ્રીય જળ નિયમન પંચની બેઠક છે, તે પહેલાં આ સમગ્ર આયોજન થાય તે કચ્છી પ્રજાના હિત માં છે. સરકારનું ધ્યાન દોરવા ચૂંટાયેલા તમામ પ્રજાકીય પ્રતિનિધિઓ લોકો સાથે મળીને રજુઆત કરે તે માટે સૌને જાગૃત બનવા અશોક મહેતાએ સમિતિ વતી અપીલ કરી હતી. પૂર્વ સાંસદ અને ભાજપના વરિષ્ઠ આગેવાન પુષ્પદાન ગઢવીએ નિખાલસતા પૂર્વક જણાવ્યું હતું કે, કચ્છ સુધી નર્મદાના સિંચાઈના પાણી પહોંચાડવામાં મોડું થયું છે. એ હકીકત છે, પણ જો હવે નર્મદાનું પાણી કચ્છમાં નહીં પહોંચે તો, કચ્છી પ્રજા અમને ચૂંટાયેલા પ્રતિનિધિઓને કયારેય માફ નહી કરે. મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, નર્મદાના વધારાના પાણીના આયોજન માટે આ બજેટમાં ૨૦૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવા મેં વડાપ્રધાન અને મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરી છે. કચ્છ માટે નર્મદાનું સિંચાઈનું પાણી જીવાદોરી સમાન હોવાની વાતને સમર્થન આપતા સાંસદ શ્રી ચાવડાએ આ મુદ્દે તેઓ સમિતિ સાથે હોવાની અને સરકાર સ્તરે રજુઆત માટે પણ સહયોગ આપવાની ખાત્રી આપી હતી. કોંગ્રેસ પક્ષ વતી ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ નર્મદા મુદ્દે સમગ્ર પક્ષ સાથે હોવાનું જણાવીને જરૂરત પડ્યે કોંગ્રેસના જિલ્લા અને પ્રદેશ આગેવાનો પણ રજુઆતમાં જોડાશે એવું જણાવ્યું હતું. જોકે, પોતે કચ્છના પ્રજાકીય પ્રતિનિધિ તરીકે કચ્છને નર્મદાનું પાણી મળે અને આ બજેટમાં તે માટે જોગવાઈ થાય તેવી રજુઆત કરી હોવાનું અને જો આ મુદ્દે સરકાર ગંભીર ન બને તો પોતે ગાંધીનગરમાં ઉપવાસ ઉપર ઉતરવાના છે એની આ બેઠક પહેલાંજ જાહેરાત પણ કરી હોવાનું જણાવ્યું હતું. કિસાન આગેવાન માવજી જાંટિયા, આરએસએસના ત્રિકમ છાંગા, એડવોકેટ શશીકાંત ઠકકર, ગઢવી સમાજના પ્રમુખ વિજય ગઢવી, કચ્છ કડવા પટેલ સમાજ, કચ્છ લેવા પટેલ સમાજના પ્રમુખ સહિતના આગેવાનો, ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોએ પણ પ્રવચન કરી સરહદને સુની થતી અટકાવવા રાષ્ટ્રીય હિતમાં પણ નર્મદા કેનાલના બાકીના કામો શરૂ કરવા સૂચન કર્યું હતું. કચ્છ ભાજપના મહામંત્રી અનિરુદ્ઘ દવેએ ભારતીય જનતા પાર્ટીના સંગઠન વતી તો કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ સુરેશ છાંગાએ ગામડે ગામડે આ માટે જાગૃતિ લાવવા પોતાના સહકારની ખાત્રી આપી હતી. સમિતિના પ્રમુખ જેન્તીભાઈ પોકારે સરકાર સમક્ષ રજુઆત અને કચ્છી પ્રજાના સહકાર તેમ જ જાગૃતિથી કચ્છના નર્મદાનો. પ્રશ્ન ઉકેલવા ઉપર ભાર મુકયો હતો. આ બેઠકમાં કચ્છ નર્મદા જળ અભિયાન સમિતિ વતી બે ઠરાવો પસાર કરાયા, જે મુખ્યમંત્રી અને નર્મદા નિગમને મોકલાશે. (૧) નર્મદા યોજના ના નિયમિત પાણી કચ્છને મળે, આ વર્ષ ૨૦૨૦ સુધીના અંત સુધી કચ્છના મોડકુબા માંડવી સુધીના કેનાલના કામ પુરા કરાય (૨) ૨૦૦૬ માં કચ્છને ફાળવાયેલા નર્મદાના વધારાના ૧ મિલિયન એકર ફૂટ પાણી માટે નું બજેટ હવે ૨૦૨૦ મા ફાળવાય તેમ જ તેના માટે ૨૫૦૦ કરોડ રૂપિયા આ બજેટમાં જોગવાઈ થાય. આ બન્ને ઠરાવ સર્વ સંમતિ થી પસાર થયા હતા.
Wednesday, February 5, 2020
New
