New

ભુજ : આવતીકાલે મહાશિવરાત્રીનો પર્વ છે. ત્યારે તે પૂર્વે જ ભુજમાં તૈયાર કરવામાં આવેલા
૩૦ લાખ રૂદ્રાક્ષના મહાશિવલિંગનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને આ મહાશિવલિંગનું
લોકોના દર્શનાર્થે ખુલ્લું મુકાયું છે. આ
સાથે જ ભુજમાં શિવ મહાપુરાણનો પ્રારંભ થયો છે. રૂદ્રાક્ષ મહાશિવલિંગ મહોત્સવ
સમિતિ કચ્છ દ્વારા છેલ્લા એકાદ મહિનાથી આ મહાશિવલિંગ બનાવવાની જહેમત ઉઠાવાઈ હતી.
ત્યારે ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતેથી શોભાયાત્રા નિકળી હતી. જે વાજતે - ગાજતે
શહેરના જયનગર સમીપે આવેલા પ્રાઈમ કોમર્શિયલ મેદાન ખાતે પહોંચી હતી. અહીં શિવ
કથાકાર બટુકભાઈ વ્યાસ તેમજ સાધુ સંતોના હસ્તે ૩૦ લાખ રૂદ્રાક્ષના મહાશિવલિંગનું
અનાવરણ કરવામાં આવ્યું હતું. આ અદભૂત શિવલિંગનું નામાંકન ગિનીસ બુક ઓફ વર્લ્ડ
રેકર્ડમાં કરાવવામાં આવશે. શિવલિંગના અનાવરણ બાદ દીપ પ્રાગટ્ય સાથે શિવ મહાપુરાણ
કથાનો પ્રારંભ થયો હતો. આ રૂદ્રાક્ષ મહાશિવલિંગના ભાવિકો દરરોજ સવારે ૮થી સાંજે ૮
દરમિયાન દર્શન કરી શકશે. તો સમિતી દ્વારા દરરોજ સવારે ૮ વાગ્યે સમૂહ રૂદ્રાભિષેક
અને ૯ કલાકે એકાદશ કુંડી હોમાત્મક મહારૂદ્ર યજ્ઞ યોજાશે. જ્યારે બપોરે ૩થી ૬
દરમિયાન ધરમપુર વાળા બટુકભાઈ વ્યાસ દ્વારા શિવ મહાપુરાણ કથાનું રસપાન કરાવવામાં આવશે.
સાંજે સાડા છ કલાકે રૂદ્રાક્ષ મહાશિવલિંગની મહાઆરતી યોજાશે. આ પ્રસંગે સમિતિના
માવજીભાઈ ગોસ્વામી, શૈલ્યસિંહ જાડેજા, દિનેશભાઈ ઠક્કર, નરેશભાઈ સોમૈયા, ઘનશ્યામસિંહ ઠક્કર, મહેશગીરી ગોસ્વામી, ઈશ્વરગીરી શ્યામગીરી ગોસ્વામી, લગ્ધીરસિંહ જાડેજા સહિતના ભાવિકો મોટી સંખ્યામાં
ઉપસ્થિત રહ્યા હતા.