સરહદી કચ્છમાં દેશદ્રોહી તત્વો અને કોમવાદી પરિબળો ઉપર પોલીસની ચાંપતી નજર : સુભાષ ત્રિવેદી - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Tuesday, February 4, 2020

સરહદી કચ્છમાં દેશદ્રોહી તત્વો અને કોમવાદી પરિબળો ઉપર પોલીસની ચાંપતી નજર : સુભાષ ત્રિવેદી

પાકિસ્તાન સાથે દેશને જોડતા સરહદી જિલ્લા કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિએ રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ અતિ મહત્વની છે. ત્યારે આઈજી સુભાષ ત્રિવેદીએ ચાર્જ સભાળ્યાના માત્ર ચાર જ મહિનામાં અકીલા પૂર્વ અને પશ્યિમ કચ્છ બન્ને પોલીસ જિલ્લામાં અસામાજિક પ્રવૃતિઓ ઉપર રોક આવી ગઈ છે. ભુજમાં પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા યોજાયેલા લોકસંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજકીય, સામાજિક આગેવાનો અને પ્રબુદ્ઘ નાગરિકો આઈજી સુભાષ ત્રિવેદીની કામગીરી ઉપર ઓળઘોળ બન્યા હતા. લોકોએ પોલીસ બેડાના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે આઈજી સુભાસ ત્રિવેદીની કામગીરીની સરાહના કરતા જણાવ્યું હતું કે, તેમના આવ્યા પછી કચ્છમાં પોલીસ દારૂ, જુગાર, ખનિજ ચોરી, ટ્રાફિક સમસ્યાઓ તેમ જ અસામાજિક તત્વો સામે કડક બની છે.ઙ્ગ આ લોકસંવાદ કાર્યક્રમમાં અખિલ કચ્છ મુસ્લિમ હિત રક્ષક સમિતિના આગેવાનો ઇબ્રાહિમ હાલેપોત્રા, આદમ ચાકીએ બે કોમ વચ્ચે વૈરમનસ્ય ફેલાવતા બન્ને સમાજના કોમવાદી તત્વો ઉપર અંકુશ આવે તે માટે આઈજીએ કરેલી કામગીરીની પ્રશંસા કરી હતી. તેમ જ સહકાર આપવા ખાત્રી આપી હતી. દારૂ પીનારા આવારા તત્વોને પોલીસ સ્ટેશનમાં બેરોકટોક જતા રોકવા પણ જણાવ્યું હતું. તો, ખનિજ ચોરી સામે પોલીસે કરેલી કામગીરી બિરદાવીને સરહદી વિસ્તારોમા આવેલી ઔદ્યોગિક કંપનીઓમાં કામ કરતાં પરપ્રાંતીય કામદારોની પૂરતી ચોકસાઈ કરવા જણાવ્યું હતું. કચ્છ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિયતિબેન પોકારે કેબલ ચોરીના વધતા બનાવો અંગે ચિંતા દર્શાવી હતી. યુવા અગ્રણી એચ. એસ. આહિરે પવનચક્કીઓના કામ દરમ્યાન કંપનીઓ દ્વારા પોલીસ રક્ષણના નામે થતાં ગેરકાયદે જમીન દબાણના કિસ્સાઓમાં પોલીસ દ્વારા રેવન્યુ રેકર્ડની ખરાઈ કરીને જ પોલીસ પ્રોટેક્ષન આપવા રજુઆત કરાઈ હતી. માતાના મઢમાં પોલીસ સ્ટેશન બનાવવા ફાળવાયેલ જમીન ઉપર કામ શરૂ કરવા સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ભુજ નજીક આવેલ ભારાપર ગામના સરપંચની હત્યાનો ગુનો પાંચ વર્ષથી વણ ઉકેલ રહ્યો હોવાનું અને સુમરાસર ગામના બાળકના ગુમ થયાનો કિસ્સો પણ હજીયે વણ ઉકેલ હોઈ બન્નેની યોગ્ય તપાસ કરવા દલિત અધિકાર મંચ વતી નરેશ મહેશ્વરીએ રજુઆત કરી હતી. માંડવીમાં ટ્રાફિક સમસ્યા અંગે વાડીલાલ દોશીએ, ભુજમાં ટ્રાફિક સમસ્યા અંગે અનિલ ડાભીએ જયારે અકસ્માતોના કિસ્સાઓમાં વાહનોના ઈન્સ્યુરન્સની તેમ જ પંચનામામાં અધુરાશો અંગે એડવોકેટ રાજેશ પ્રેમજી ઠક્કરે રજુઆત કરી હતી. માંડવી નગરપાલિકાના પ્રમુખ મેહુલ શાહે બીચ ઉપર પ્રવાસીઓને અડચણ ન થાય તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા, મુન્દ્રાના સરપંચ ધર્મેન્દ્ર જેસરે મુન્દ્રા પોર્ટ ઉપર આવતા વિઝિટરોની પાસ સિસ્ટમમાં પોલીસ પણ નજર રાખે તેવી રજુઆત કરી હતી. તો મુન્દ્રા પોર્ટ ઉપર થતી ચોરીઓને ઉઘાડી પાડવા મુન્દ્રાના ક્ષત્રિય અગ્રણી સરવૈયાએ આઈજીને માહિતી આપવાનું કહેતાં તેમને સોમવારે રૂબરૂ બોલાવી ચોરી સામે કામગીરી કરવા આઈજી ત્રિવેદીએ ખાત્રી આપી હતી. સફેદ રણ અને કાળા ડુંગર ના જાહેર માર્ગો ઉપર ફરતી ભેંસોના કારણે અકસ્માતો વધતાં હોવાની ચિંતા આગેવાન હીરાલાલ રાજદેએ વ્યકત કરી હતી. કોંગ્રેસી આગેવાન રવિન્દ્ર ત્રવાડી, ભાજપના આગેવાન અનવર નોડેએ પણ રજૂઆતો કરી હતી.આઈજી સુભાષ ત્રિવેદીએ કચ્છના શહેરો અને હાઈ વે ઉપરની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા 'સેપ્ટ'ની મદદથી જિયોગ્રાફીકલ અને ટેકિનકલ સર્વે કરીને સમસ્યા હલ કરવાની કાર્યવાહી કરાશે એવું જણાવ્યું હતું. તો, માંડવી બીચ ઉપર નગરપાલિકાના સહયોગથી ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવા, ઓવરસ્પીડ તેમ જ દારૂ પીને વાહન ચલાવતા તત્વો સામે સજાની જોગવાઈ સાથેની કામગીરી કરાશે એવું જણાવ્યું હતું. તો, દેશદ્રોહી તત્વો અને કોમવાદી તત્વો ઉપર ચાંપતી નજર રાખી આવા તત્વો વિરુદ્ઘ પોલીસ દેશહિતમાં કડક હાથે કામ લેવા સક્ષમ હોવાનું કહીને કચ્છની કોમી એકતાને બરકરાર રાખવાની ખાત્રી આઈજી સુભાષ ત્રિવેદીએ આપી હતી. આ કાર્યક્રમમાં એસપી સૌરભ તોલંબિયા સહિત અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.