ભુજ : શહેરની ભાગોળે આવેલી સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટમાં છાત્રાઓના કપડા ઉતરાવીને માસિક ધર્મની ચકાસણી કરવાના કેસમાં સંડોવાયેલી ૪ મહિલા આરોપીઓના આજે બપોરે ૧ર કલાકે રિમાન્ડ પૂર્ણ થતા જામીન મુક્ત થઈ હતી. સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટની ઘટનામાં એફઆઈઆર નોંધાયા બાદ આચાર્યા રીટાબેન રાણીંગા, કો-ઓર્ડિનેટર અનિતાબેન રણછોડ ચૌહાણ, હોસ્ટેલના સુપરવાઈઝર રમીલાબેન હિરાણી અને પટ્ટાવાળા નયનાબેન ગોરસિયાની પોલીસે ધરપકડ કરી હતી અને બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આજે બપોરે ૧ર વાગ્યે મહિલાઓના રિમાન્ડ પૂર્ણ થયા બાદ પુનઃ કોર્ટમાં હાજર કરાતા કોર્ટે ચારેયને જામીન મુક્ત કર્યા હતા. આ કેસના તપાસનીશ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ શ્રી ખાંટે કહ્યું હતું કે, તપાસ ૮૦ ટકા પૂર્ણ થઈ ગઈ છે. હજુ સુધી બનાવમાં અન્ય કોઈના નામો ખુલવા પામ્યા નથી અને આરોપી મહિલાઓએ કહ્યું હતું કે, તેમણે ફરજના ભાગરૂપે પોતે પણ એક મહિલા હોવાથી સ્વચ્છતાના ભાગરૂપે ચકાસણી કરી હતી તેવું જણાવ્યું છે ત્યારે હવે આ મામલે પોલીસ દ્વારા ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરાશે.
Wednesday, February 19, 2020
New
