૧૮૮ કરોડના ડ્રગ્સ પ્રકરણમાં
એટીએસે માંડવીથી ૪ કાર જપ્ત કરી : મરઘાં ઉછેર ફાર્મમાં સંતાડેલ ડ્રગ્સની રઝાકે
કરીમ અને સુનીલને ડિલિવરી કરી
ભુજ : ગુજરાતની
સરહદ હવે વિસ્ફોટક સામગ્રી પછી ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ બની રહી હોય તેવું લાગે
છે. પંજાબ પોલીસે ગત ૩૧ જાન્યુઆરીએ ભટીંડા માંથી ઝડપેલા ૧૮૮ કરોડના ડ્રગ્સ
પ્રકરણમાં પાકિસ્તાનથી વાયા કચ્છ ગુજરાત કનેકશન નીકળ્યું છે.
પંજાબ પોલીસે આ મામલે ગુજરાત પોલીસને જાણ કરીને આ ડ્રગ્સ
પ્રકરણની વધુ તપાસ માટે સાથ માંગ્યો હતો. જેને પગલે ગુજરાત એટીએસ તપાસમાં જોડાઈ
હતી. એટીએસને આ ડ્રગ્સ માફિયાઓની લિંક તોડવામાં સફળતા મળી છે. સૂત્રોના જણાવ્યા
પ્રમાણે એટીએસની તપાસમાં ડ્રગ્સ માફિયાઓ દ્વારા કેરિયર તરીકે કચ્છના માંડવી
તાલુકાના બાગ ગામના બે ભાઈઓ રફીક સુમરા અને રઝાક સુમરાની સંડોવણી બહાર આવી હતી.
ગુજરાત એટીએસ દ્વારા હાથ ધરાયેલ તપાસમાં મોટો ધડાકો થયો હતો.
કચ્છના અબડાસા તાલુકાના છછી બંદરે ૫૦૦ કરોડનું ડ્રગ્સ ઉતર્યું હતું. જે પૈકી ઊંઝા
થઈને ૩૦૦ કરોડનું ડ્રગ્સ પંજાબ પહોંચી ગયું. પણ, બાકી રહેલા
૨૦૦ કરોડનો જથ્થો રફિક સુમરાની સુચનાને પગલે તેના ભાઈ રઝાક સુમરાએ પોતાના બાગ ગામે
આવેલા મરઘાં ઉછેરના ફાર્મમાં ખાડો ખોદી દાટયો હતો. જેમાંથી ૧૮૮
કરોડનું ડ્રગ્સ રઝાકે બાગ થી કાચા રસ્તે બીદડા ગામે કાર માં પહોંચીને પંજાબ
પહોંચાડવા બે શખ્સ કરીમ મોહમદ સીરાઝ અને સુનિલ વિઠલ બરમાસેને આપ્યું હતું. જોકે, આ ડિલિવરી
લેવા એક પંજાબી શખ્સ પણ આવ્યો હોવાની ચર્ચા છે. ડ્રગ્સનો આ જથ્થો પંજાબના
ભટીંડામાં ઝડપાયો હતો. એટીએસ આ ડ્રગ્સ પ્રકરણમાં ત્રણ શખ્સો રઝાક, કરીમ અને
સુનિલને લઈને કચ્છ આવી હતી. માંડવીના બાગ સહિત અન્ય જગ્યાઓએ આ ઘટનાનું
રિકન્સ્ટ્રકશન કર્યું હતું. તેમ જ ચાર
કાર કબ્જે કરી હતી. ત્રણેય આરોપીઓને લઈને એટીએસ ફરી અમદાવાદ રવાની થઈ ગઈ છે.
