નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે કે ઈન્ડિયન આર્મીમાં મહિલાઓને પણ પરમેનેન્ટ કમાન્ડ પોસ્ટિંગ આપવામાં આવે. એટલે કે અત્યાર સુધી મહિલા અધિકારીઓ શોર્ટ સર્વિસ કમિશન દ્વારા ભરતી પામી 14 વર્ષ સુધી કામ કરી શકતી હતી. એ નિયમમાં ફેરફાર કરી તેમને કમાન્ડ પોસ્ટ એટલે કે કર્નલ કે તેનાથી ઉપરના હોદ્દા સુધી પ્રમોશન આપવામાં આવે. અગાઉ કેન્દ્ર સરકારે એવી દલીલ કરી હતી કે મહિલાઓની શારીરિક અને માનસિક સ્થિતિ જોતાં તેમને કમાન્ડ પોસ્ટિંગ આપવું હિતાવહ નથી. પરંતુ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની આ દલીલ રદ કરી હતી.
આર્મીમાં મહિલાઓ છે જ
ભારતીય લશ્કરમાં પહેલેથી મહિલા અધિકારીઓ કામ કરે જ છે. પરંતુ અત્યાર સુધીની સ્થિતિ મુજબ તેમને શોર્ટ સર્વિસ કમિશન (એસએસસી) દ્વારા ભરતી કરવામાં આવતી હતી. એટલે કે 10 વર્ષે અને જો એક્સેટેન્શન મળે તો તેમને 14 વર્ષે નિવૃત્ત થવું પડતું હતું. પરમેનેન્ટ કમિશન આપવાનો અર્થ એ થયો કે તેમને 14 વર્ષે નિવૃત્ત નહીં થવુ પડે. વધુમાં કમાન્ડ પોસ્ટિંગ મળશે. એટલે કે સરહદે યુદ્ધ લડવા જેવી સ્થિતિમાં મહિલા અધિકારીઓ ભાગ લઈ શકશે, જે અત્યાર સુધી લઈ શકતી ન હતી. અત્યારે ભારતીય લશ્કરમાં ઓફિસર કક્ષાની 1653 મહિલાઓ છે, જે કુલ ઓફિસર્સના 3.89 ટકા છે.
મહિલાઓનું અપમાન
સુપ્રીમે કેન્દ્ર સરકારની ટીકા કરતા કહ્યું હતુ કે મહિલાઓને આ પ્રકારનો હક્ક ન આપવો એ તેમનું અપમાન છે. દેશના વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ આગેકૂચ કરી જ રહી છે અને દેશનું નામ રોશન કરે છે. તો પછી શા માટે આર્મીમાં પરમેનેન્ટ કમિશન સામે સરકારને વાંધો છે? સરકારે એવી દલીલ કરી હતી કે લશ્કરમાં કામ કરનારા બધા જ પુરૂષો હોવાથી કર્નલના હોદ્દે આવેલી મહિલા તેમને સ્વિકાર્ય ન પણ હોય. વધુમાં સરકારે એવુ પણ કહ્યું હતુ કે સરહદ પર કામ કરવા માટે મહિલાઓને શારીરિક અને માનસિક મુશ્કેલીઓ નડી શકે છે.
3 મહિનાનો સમય
આ નિર્ણય લાગુ કરવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને 3 મહિનાનો સમય આપ્યો છે. અગાઉ દિલ્હી હાઈકોર્ટે પણ 2010માં એવો જ ચૂકાદો આપ્યો હતો કે મહિલાઓને પરમેનેન્ટ કમિશન આપી કમાન્ડ પોસ્ટ આપવામાં આવે. સુપ્રીમે એ નિર્ણય જ માન્ય રાખ્યો છે. આ નિર્ણય સુપ્રીમના જજ ડી.વાય.ચંદ્રચૂડ અને જસ્ટિસ અજય રસ્તોગીની બેંચે લીધો હતો.
મહિલા કર્નલ બની શકશે
આ નિર્ણય પછી હવે મહિલા લશ્કરી અધિકારી પોતાની ક્ષમતા અને આવડત પ્રમાણે પ્રમોટ થઈને કર્નલ કે છેક લશ્કરી વડા (જનરલ) સુધીની પોસ્ટ પર પહોંચી શકશે.
અલબત્ત, એ કામગીરી આર્મીની પ્રમોશન પોલીસી હેઠળ જ થશે. મહિલા કર્નલ બને તો તેમને લગભગ 850 સૈનિકોની જવાબદારી સંભાળવાની આવે. લશ્કરની વિવિધ બ્રાન્ચ જેવી કે મેડિકલ, એન્જિયરિંગ.. વગેરેમાં તો પહેલેથી મહિલા કામ કરે જ છે.
રાહુલનું પરાક્રમ : મોદી નહીં મનમોહન સરકાર પર આરોપો લગાવી દીધા
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરીથી ગોટાળો કર્યો હતો. જેમાં તેઓ ખુદ ફસાઇ ગયા હતા. મહિલા અધિકારીઓને સૈન્યને સૈન્યમાં કાયમી કમિશન મેળવવા મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઇને રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો પણ મનમોહનસિંહની સરકારને ઘેરી લીધી હતી. તેમણે કહ્યું હતું કે સરકારે સુપ્રીમ કોર્ટમાં દલીલો દરમિયાન કહ્યું કે મહિલા સૈન્ય ઓફિસર કમાન્ડ પોસ્ટને લાયક નથી ઠરતી આમ કરીને સરકારે મહિલાઓનું અપમાન કર્યું છે. જોકે રાહુલ એ ભુલી ગયા હતા કે આ મામલો 2010નો હતો જેમાં તે સમયે મનમોહનસિંહની સરકારે જ આ પ્રકારનો વિરોધ કર્યો હતો.
સુપ્રીમના ચુકાદાનું મહિલા સૈન્ય અધિકારીઓએ સ્વાગત કર્યું
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મહિલા સૈન્ય અધિકારીઓએ તેનું સ્વાગત કર્યું હતું અને સાથે કહ્યું હતું કે આ ચુકાદો માત્ર સૈન્ય જ નહીં દેશની દરેક મહિલાઓને મદદરૂપ થશે. એક મહિલા સૈન્ય અધિકારીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે જે પણ મહિલા આ પદ માટે લાયક ઠરે તેને આ જવાબદારી સોપવી જોઇએ. જોકે કમાન્ડ કરવી તે કોઇ સામાન્ય કામ નથી, તેના માટે વિશેષ તાલીમ લેવી જરૂરી છે. મહિલા અધિકારીઓએ એ પણ સ્પષ્ટ કર્યું હતુંકે ભવિષ્યમાં કોઈ મહિલા આ અધિકારનો દુરૂપયોગ કરી લશ્કરની છબી ખરાબ ન કરે તે જોવાની જવાબદારી પણ હવે અમારા શીરે આવી છે.
