વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ઘટતાં બુધવારે વાદળો હટી જતાં વાતાવરણ સ્વચ્છ બન્યું છે. તેમજ ઉત્તર-પૂર્વીય ઠંડા પવનો શરૂ થતાં રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યના 13 શહેરમાં ઠંડીનો પારો ગગડીને 12 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો, તેમજ સમગ્ર રાજ્યમાં 6.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આગામી બે દિવસો દરમિયાન રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડવાની શક્યતા હોવાથી ઠંડીનું મોજું ફરી વળવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ઠંડા પવનોની અસરથી અમદાવાદનું મહત્તમ તાપમાન 26.0 ડિગ્રી નોંધાયું હવામાન વિભાગનાં આંકડા મુજબ, વેસ્ટર્નડિસ્ટર્બન્સની અસરોથી મંગળવારેઅમદાવાદમાં દિવસ દરમિયાન વાદળિયું વાતાવરણ રહ્યું હતું. પરંતુ, બુધવારે અમદાવાદમાં આકાશ સ્વચ્છ થતાં ઉત્તર-પૂર્વનાં ઠંડા પવનોથી ઠંડીનો ચમકારો વધ્યો હતો. ઠંડા પવનોની અસરથી અમદાવાદનું મહત્તમ તાપમાન 26.0 ડિગ્રી અને લઘુતમ તાપમાન 12.1 ડિગ્રી નોંધાયું હતું. મંગળવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું હતું પણ ઠંડા પવનોની અસરથી અમદાવાદમાં એક જ દિવસમાં ઠંડીનો પારો 5 ડિગ્રી ગગડ્યો હતો. સાંજ પડતાં સમગ્ર શહેર કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયું હતું. આગામી બે દિવસો દરમિયાન શહેરમાં ઠંડીનો પારો ગગડીને 10 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી વાદળો હટતાં વાતાવરણ સ્વચ્છ બનતાં ઉત્તર-પૂર્વનાં ઠંડા પવનો સીધા જમીન તરફ આવતાં અમદાવાદ સહિત રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. જેને કારણે રાજ્યનાં મોટાભાગનાં શહેરોનાં લઘુતમ તાપમાન 3થી 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં 6.5 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. આગામી બે દિવસો દરમિયાન રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે.

