વાઘોડિયાના રાયણતલાવડીના સરપંચ શૈલેષભાઈનો નાનો ભાઈ વિજય જગદીશભાઈ વસાવા(25) પોતાની બાઈક પર ખેતીકામ અર્થે કેનાલ પાસે આવેલા ખેતરે ગયો હતો. ખેતીકામ પતાવ્યા બાદ કેનાલમાં હાથ-પગ ધોવા માટે ઉતરતા કેનાલમાં જામેલી લીલના કારણે યુવાન પગ લપસતા યુવાન કેનાલમા ડૂબવા લાગ્યો હતો. યુવાને પોતાના બચાવ માટે બૂમાબૂમ કરતા લોકો કેનાલ પર દોડી આવ્યા હતા. પરંતુ યુવાનને કાંઈ મદદ પહોંચે તે પહેલા યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. લોકોએ યુવાનના પરિવારને જાણ કરતા પરિવાર મિત્રો અને ગ્રામજનો બનાવના સ્થળે દોડી આવ્યા હતા.
સ્થાનિકોએ કેનાલના ઊંડા પાણીમાં યુવાનને શોધવાની કામગીરી આરંભી હતી. જોકે સફળતા નહીં મળતા આખરે ફાયર બ્રિગેડ તેમજ વાઘોડિયા પોલીસને જાણ કરતા ફાયર બ્રિગેડે આવી યુવાનની શોધખોળ આરંભી હતી. તે દરમિયાન યુવાનનો મૃતદેહ કેનાલના પાણીમાં તરતો જણાઈ આવતા સ્થાનિકોએ દોરડાની મદદથી મૃતદેહને બહાર ખેંચી કાઢયો હતો. વાઘોડિયા પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટ મોર્ટમ અર્થે જરોદ રેફરલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આશાસ્પદ યુવાનના મોતના પગલે બનાવ સ્થળે પરિવારના આક્રાંદ મચાવતા વાતાવરણ ગમગીન બન્યુ હતું.