ભુજમાં જ્યુબિલી સર્કલ, વીજ કચેરી, ઈન્દિરાબાઈ બાગ અને સ્ટેશન રોડ પાસે ટ્રાફિક સિગ્નલ 2016માં લગાડાયા હતા. પરંતુ, છેલ્લા ચારેક વર્ષથી ટેસ્ટિંગ ઉપર ટેસ્ટિંગ કરવા સિવાય નિયમિત ચાલુ કરવામાં તંત્ર વામણું પૂરવાર થયું છે. બુધવારે વધુ એક વખત ભુજ નગરપાલિકા અને ટ્રાફિક પોલીસે ટ્રાફિક સિગ્નલનું ટેસ્ટિંગ કર્યું. પરંતુ, નિયમિત ક્યારથી કાર્યરત થશે એ બંનેમાંથી એકેય તંત્રે ફોડ પાડી ન હતી.
ભુજમાં 17 લાખના ખર્ચે ટ્રાફિક સિગ્નલ લગાડાયા હતા. પરંતુ, સમયની વિસંગતતાને કારણે ટ્રાફિક વ્યવસ્થાને બદલે અરાજકતા ફેલાતી હતી, જેથી ટ્રાફિક પોલીસે ટ્રાફિક સિગ્નલને બાજુએ મૂકીને ટ્રાફિક પોલીસ મારફતે જ ટ્રાફિક વ્યવસ્થા જાળવવાનું શરૂ કરી દીધું હતું. જે બાદ ટ્રાફિક સિગ્નલ શા માટે ચાલુ નથી કરાયા અને ક્યારે ચાલુ થશે એ બાબતે તંત્ર તરફથી અલગ અલગ સમયે અલગ અલગ નિવેદનો આવતા હતા, જેમાં ઠેકેદારે ટ્રાફિક સિગ્નલ ગોઠવ્યા બાદ મરંમત અને સંચાલનની જવાબદારી નિભાવી ન હોવાનું પણ ખુલ્યું હતું. જોકે, એકેય તંત્ર તરફથી સ્પષ્ટ અને એકસૂરમાં નિવેદનો આવ્યા ન હતા. હવે બુધવારે ભુજ નગરપાલિકાન અને ટ્રાફિક પોલીસે બુધવારે જ્યુબિલી સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલનું ટેસ્ટિંગ કર્યું હતું, જેથી ટ્રાફિક સિગ્નલ શરૂ ક્યારે થશે એ બાબતે બંને તંત્રને પૂછતા ક્યારે ચાલુ થશે એ બાબતે બંને તંત્રોએ જવાબદારીની એક બીજા ઉપર ફેંકાફેંક કરી હતી. નગરપાલીકા અને ટ્રાફિક પોલીસે એક બીજા પર ખો નાખી હતી. ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી નીતિન બોડાતને ટ્રાફિક સિગ્નલ ક્યારે ચાલુ થશે એ બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, બુધવારે ટેસ્ટિંગ હતું. હજુ જ્યુબિલી સર્કલ પાસે ટેસ્ટિંગ કર્યું છે. બીજા વારાફરતી ટેસ્ટિંગ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. બાકી જ્યુબિલી સર્કલનું ટ્રાફિક સિગ્નલ ઑ.કે. છે. ટ્રાફિક પોલીસ કહેશે ત્યારે સ્વીચ દબાવી દેશું. સીટી ટ્રાફિક પોલીસ પી.એસ.આઈ. વનરાજસિંહ ઝાલાને પૂછ્યું તો તેમણે જણાવ્યું હતું કે, હજુ ચાલુ નથી કર્યા. ટેસ્ટિંગ કર્યું છે. બાકી ટ્રાફિક સિગ્નલ કાર્યરત રાખવાની નગરપાલિકાની જવાબદારી છે. નગરપાલિકા કરશે.
