વર્ષ 1979માં કચ્છને નર્મદા નદીના નિયમિત પાણી ફાળવાયા હતા જેમાં માંડવીના મોડકૂબા સુધી 352 કિલો મીટર લાંબી બ્રાન્ચ કેનાલ બનાવવાનું આયોજન કરાયું હતું. યોજનાના અમલીકરણને ચાર દાયકા કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં બ્રાન્ચ કેનાલના કામો અધૂરા છે તેમ કચ્છ નર્મદા જળ અભિયાન દ્વારા કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને પાઠવાયેલા આવેદનમાં જણાવાયું હતું. મોટા ભાગના તાલુકાઑમાંથી અાવેલા ખેડૂત અગ્રણીઑ સાથે સમાહર્તાને કરાયેલી રજૂઆતમાં જણાવાયું હતું કે, ગાગોદર, વાઢિયા અને દુધઇ બ્રાન્ચ કેનાલના કામો પૂર્ણ થયા નથી તો સબબ્રાન્ચ, સબસીડિયરી અને માઇનોર કેનાલના કામો શરૂ જ નથી કરાયા પરિણામે કચ્છની 2.85 લાખ એકર જમીનમાં નર્મદાના નિયમિત પાણી પહોંચાડવાના બદલે એક એકરમાં પણ પાણી પહોંચ્યું નથી. અભિયાનના પ્રમુખ જયંતીલાલ શીવજી પોકારની આગેવાની તળે પાઠવાયેલા આવેદનમાં વધારાના પાણીના કામને તાત્કાલિક વહીવટી મંજૂરી આપવા, દરેક લિંક કેનાલના કામો તાકીદે શરૂ કરવા, રાજ્ય સરકારના આગામી બજેટમાં વધારાના પાણીના કાર્યો માટે પ્રાજેક્ટની કિમતના ઑછામા ઑછા 50 ટકા નાણા ફાળવવાની માગ કરાઇ હતી. મણિલાલ ભગત, માવજી જાટિયા, શિવજી આહિર, હંસરાજ કેસરાણી, વિરમ ગઢવી, શશિકાંત ઠક્કર સહિતના અગ્રણી જોડાયા હતા.
