ટેન્ટસીટીમાં 2 માસમાં બીજી વખત આગ લાગી, 4 ટેન્ટ થયા ભસ્મીભૂત - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Friday, January 10, 2020

ટેન્ટસીટીમાં 2 માસમાં બીજી વખત આગ લાગી, 4 ટેન્ટ થયા ભસ્મીભૂત


કચ્છના ધોરડોમાં આવેલા સફેદ રણ અને ટેન્ટ સીટીની મુલાકાતે દર વર્ષે લાખો લોકો આવે છે. મોંઘાદાટ ટેન્ટ બુક કરાવી અહીં રોકાય છે. દિવાળી સમયે ટેન્ટમાં આગનો બનાવ બન્યો હતો જયારે બે માસમાં ગુરુવારે ટેન્ટ સીટીમાં આગ લાગવાની બીજી ઘટના બની હતી. અમદાવાદના એનઆરઆઇ પરીવાર જે ત્રણ ટેન્ટમાં રોકાયો હતો તે ટેન્ટ સહિત કુલ ચાર ટેન્ટ ભસ્મીભૂત થઇ ગયા હતા. જો કે ટેન્ટ સીટીના સંચાલકોએ 3.30 મીનીટમાં આગને કાબુમાં લઇ લેતા વધુ ટેન્ટ સળગતા બચી ગયા હતા. 

ધોરડોની ટેન્ટ સીટીમાં ડીલક્સ એસી ટેન્ટમાં અમદાવાદનો પટેલ પરીવાર રોકાયા હતો, ત્રણ ટેન્ટમાં તેઓ 6 લોકો હતા. જે પૈકી એક ભાઇ યુએસથી ખાસ કચ્છમાં ફરવા માટે આવ્યા હતા. આ અંગે અમદાવાદના જીગ્નેશ પટેલ જેમની સાથે આ ઘટના બની જે તેમની સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, સવારે 8.30 વાગ્યે તેઓ પોતાના પરીવાર સાથે બ્રેકફાસ્ટ માટે ગયા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. તેમણે બુક કરાવેલા ત્રણ ટેન્ટ સહિત કુલ ચાર ટેન્ટ ભસ્મીભુત થઇ ગયા હતા. શોટ-સર્કીટથી આ ટેન્ટમાં આગ લાગી હોવાનું સંચાલકો દ્વારા કહેવાઇ રહ્યું છે. આગની ઘટનામાં અઢી લાખ રૂપીયા રોકડા, ક્રેડીટ-ડેબીટ કાર્ડ, પરીવારના રોકાયેલા 6 સભ્યોનો તમામ સામાન, ડોક્યુમેન્ટ અને ડોલર પણ બળી ગયા હતા. તો તેમના એક ભાઇ યુએસથી આવ્યા છે તેમની પાસપોર્ટ સહીસલામત મળી આવી હોવાનું કહ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, 2019ના ઓક્ટોબર માસમાં 26મી તારીખે ટેન્ટ સીટીમાં આગનો બનાવ બન્યો હતો જે બાદ કલેકટરના અધ્યક્ષસ્થાને તાત્કાલીક બેઠક બોલાવાઇ હતી, બેઠકમાં માત્ર આદેશો અપાય હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. 

ખાખ થયેલો ટેન્ટ અને સરસામાન 

ટેન્ટસીટીમાં પ્રવાસીઓની સુરક્ષાના નામે મીંડુ 

ધોરડોની ટેન્ટ સીટીમાં જુદી-જુદી રેન્જના ટેન્ટ ઉભા કરાયા છે. સુપર ડીલક્સ, ડીક્લસ,એસી-નોન એસી સહિતના અનેક સુવિધાઓવાળા ટેન્ટ લાખો લોકો ઓનલાઇન બુકીંગ કરાવી નાઇટ આઉટ માટે આવતા હોય છે. મોંઘા ભાડા વસુલ કરાય છે પણ સુરક્ષાના નામે મીંડુ છે તેમ કહી શકાય. અગાઉ દિવાળી સમયે ટેન્ટમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો સદભાગ્યે કોઇ જાનહાની થઇ ન હતી. દરમિયાન જિલ્લા કલેકટરના અધ્યક્ષમાં મીટિંગ બોલાવાઇ હતી અને આવી ઘટનાઓ ન બને તે માટે પગલા ભરવા આદેશો થયા હતા. બે માસમાં બીજી વખત આ ઘટન બની હતી જેમાં રોકડ સહિતના સાધનીક કાગળો ખાખ થઇ ગયા હતા. 

ટેન્ટમાં હીટરને લીધે શોટસર્કીટ થતા આગ લાગી હોવાની સંભાવના 

ટેન્ટ સીટીના ભાવીક શેઠ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, આગ લાગવાની ઘટના 8.30 વાગ્યે બની હતી અને 3.30 મીનીટમાં જ ફાયર ટીમ ત્યાં પહોંચી પરીસ્થિતિ કાબુમાં લીધી હતી. ટેન્ટમાં રહેલા હીટર ઉપર કોઇ પ્રવાસી રૂમાલ કે બીજી કોઇ વસ્તુ રાખી હોય કે પછી હીટરની બાજુમાં પ્લાસ્ટિક-કાગળની કોઇ વસ્તુ પડી હોય તો ગરમીને કારણે તે બળી જાય અને ટેન્ટ પણ કાપડના હોવાથી પલવારમાં ટેન્ટ આખુ બળી જાય તેમ છે. 

એસડીએમ અને PGVCLને રિપોર્ટ કરવા માટે મોકલાયા 

આ અંગે ડિઝાસ્ટર વિભાગના પ્રજાપતી સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, ઘટનાની જાણ થતા કલેકટર દ્વારા લેખિતમાં પત્ર મળ્યો હતો જે અનુસંધાને એસડીએમ અને પીજીવીસીએલની ટુકડીને ત્યાં મોકલી સંચાલકો પાસેથી ખુલાસો માંગવા જણાવાયું હતું. તો કયા કારણોસર આગ લાગી હોવા અંગે તેમણે કહ્યું કે સ્થાનિકે જઇ ટુકડી તપાસ કરી રહી છે. ખુલાસો અને રિપોર્ટ આવ્યા બાદ બીજી વખત આગનો બનાવ કેવી રીતે બન્યો તે અંગે ખ્યાલ આવશે. જોકે અગાઉ પણ કલેકટરે ખુલાસો માત્ર માંગ્યો હતો. 

‘હું મારા પરિવારને ઉઠાડયા વગર એકલો બ્રેકફાસ્ટ માટે ચાલ્યો ગયો હોત તો ?’ 

 આગ લાગવાની બીજી ઘટના બની છે અગાઉ દિવાળી સમયે પણ આગ લાગી હતી જે બાદ પણ નિષ્કાળજી રખાઇ છે. ગુરુવારે સવારે 8.30 વાગ્યે તેઓ પોતાની પત્ની, પુત્રી અને ભાઇના પરીવારને ઉઠાડ્યા વગર એકલા બ્રેકફાસ્ટ માટે ચાલ્યા ગયા હોત તો ? સર-સામાનની સાથે જાનહાની પણ થઇ શકે તેવી પરીસ્થિતિ હતી. ટેન્ટ આખા સળગી ગયા હતા માત્ર ટેન્ટમાં પલંગના લોખંડના સળીયા બચ્યા હતા.  જગદીશભાઇ પટેલ, ભોગબનનાર 

ખરીદીના બીલ, ટેન્ટનું ભાડુ, આવવા-જવાનું ખર્ચ રીફંડ 

અમદાવાદના પટેલ પરીવારના સભ્યો સવારે બ્રેકફાસ્ટ માટે ગયા ત્યારે તેમની સાથે રહેલા પર્સમાં રખાયેલા ખરીદીના બીલ, ટેન્ટનું ભાડુ તેમજ અમદાવાદ આવવા અને જવાનું ખર્ચ રીફંડ કરાયું હતું તેવું ભાવિક શેઠે જણાવ્યું હતું. ટેન્ટમાં બળી ગયેલા સર-સામાન અંગે હજુ ટીમ સર્વે કરી રહી છે અને ખરેખર કેટલું સામાન ભસ્મીભુત થયું છે તેની વિગતો તપાસણી રિપોર્ટ પછી જ બહાર આવી શકે. અમદાવાદના પરીવારનો ટેન્ટમાં રહેલો તમામ સામાન બળી ગયો હોવાથી માત્ર હાથમાં રહેલા પર્સની વસ્તુ બચી હતી.