ગાંધીધામ નજીક મીઠીરોહરના ગોડાઉનમાંથી રૂ.21,65,140ની કિંમતની ચોખાની 777 બોરી ચોરી થઇ હતી જેમાં બી-ડિવિઝન પોલીસે વોચ ગોઠવી આ ચોરી કરનાર પાંચ ઇસમોને પકડી લઇ રૂ.2,81,300 ની કિંમતની 97 બોરી કબજે કરી આ ચોરીનો ભેદ એક જ દિવસમાં ઉકેલી લીધો હતો.
આ બાબતે બી-ડિવિઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ ડી.વી.રાણાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે,તા.7/1 ના સપનાનગરમાં રહેતા શૈલેન્દ્રકુમાર રામજી મિશ્રાએ ફરિયાદ નો઼ધાવી હતી કે મીઠીરોહરમાં તેમના ગોડાઉનમાંથી રૂ.21,65,140 ની કિંમતની ચોખાની 777 બોરીની ચોરી થઇ છે. આ ફરિયાદ બાદ પોલીસે સતત વોચ ગોઠવી બાતમીદારોએ આપેલી બાતમીના આધારે અંજારના તુણાના કુખ્યાત જુસબ ઉર્ફે મામો હુસેન બુચડ અને કાર્ગો પીએસએલ ઝુંપડામાં રહેતા વસીમખાન જમીરખાન શેખે પોતાના સાગરીતો સાથે મળી આ ચોરીને અંજામ આપ્યો છે. આ બાતમીના આધારે બન્નેની અટક કરી પુછપરછમાં તેમણે આ ચોખા વેચી નાખ્યા હોવાનું જણાવતાં જેમને આ લોકોએ આ ચોરાઉ ચોખા વેચાણ કર્યા હતા તે પૈકી ભારતનગરના કલ્પેશ હરીલાલ ઠક્કર પાસેથી રૂ.2,81,300 ની કિંમતના ચોખાની 97 બોરી રીકવર કરી તેની પણ અટક કરી હતી. તો આ ચોરીમા઼ જે ઇસમોના વાહનોનો ઉપયોગ કરાયો હતો તે ખારીરોહરના ઓસમાણ ઇસ્માઇલ કુંભાર અને મદદરૂપ થયેલા રાજેશ અરજણ સથવારાને પણ પોલીસે પકડી વધુ પુછપરછ આદરી હતી.
