મુન્દ્રા બંદરે ૫ કરોડનું લાલ ચંદન ઝડપાયું - મોરબીની જીઓબાથ સેનેટરી દ્વારા દુબઈ મોકલાતું હતું - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Thursday, January 16, 2020

મુન્દ્રા બંદરે ૫ કરોડનું લાલ ચંદન ઝડપાયું - મોરબીની જીઓબાથ સેનેટરી દ્વારા દુબઈ મોકલાતું હતું

પ્રતિબંધિત લાલચંદન ની કચ્છના મુન્દ્રા તેમ જ કંડલા પોર્ટ દ્વારા થઈ રહેલી દાણચોરીનો સિલસિલો હજીયે ચાલુ જ છે. છેક દક્ષિણના રાજયોમાંથી અનેક ચેકપોસ્ટ વટાવીને ગુજરાત આવ્યા બાદ દાણચોરો લાલચંદન કચ્છના કંડલા તથા મુન્દ્રા બંદરો દ્વારા દુબઈ મોકલે છે. અગાઉ આવા અનેક કિસ્સાઓ ઝડપાઇ ગયા બાદ આ વખતે ડીઆરઆઈએ મોટો ધડાકો કર્યો છે. વિદેશ નિકાસ થતી મોરબીની સીરામીક ટાઇલ્સની સાથે કન્ટેનરમાં લાલચંદન મોકલવાના લાંબા સમયથી ચાલતા ષડયંત્રનું પગેરું શોધીને ડીઆરઆઈએ મોરબીના એક બહુનામધારી શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સની પૂછપરછ કરી ડીઆરઆઈએ મુન્દ્રા બદરેથી દિપક શાંતિલાલ કોટક, જીઓબાથ સેનેટરી, મોરબી દ્વારા દુબઈ મોકલાઈ રહેલ ૪ કરોડ ૮૨ લાખની કિંમતનું લાલચંદન જપ્ત કર્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દાણચોર લોબી દ્વારા બોગસ નામ સાથે સેનેટરીવેરના ઓઠા તળે પ્રતિબંધિત લાલચંદનની નિકાસ કરાય છે. મોરબીથી સરેરાશ ૨૦૦ જેટલા ટાઇલ્સના, સેનેટરીવેરના કન્ટેનરો નિકાસ થાય છે, આ માલ વજનમાં ભારી હોઈ લાલચંદન પણ તેની સાથે નિકાસ થઈ જાય છે અને કન્ટેનર એરસીલ સાથે ટાઈટ પેક હોઈ કોઈને શંકા પણ જતી નથી. અત્યારે કસ્ટમે મોરબીના જે શખ્સની ધરપકડ કરી છે, તે પોતાના ત્રણ અલગ અલગ નામ બતાવે છે અને આ ત્રણ નામ દિપક શાંતિલાલ કોટક, વિનોદ શાહ અને દ્વિજેન્દ્ર શીરિષ માનક બતાવે છે. ડીઆરઆઈએ તેને ઝડપી કોર્ટમાં રજૂ કરીને ગાંધીધામની ગળપાદર જેલ હવાલે કર્યો છે. જોકે, ઝડપાયેલા શખ્સ સાથે બીજી મોટી ગેંગ પણ સક્રિય હોઈ શકે છે. દુબઈની પેઢી કે જ્યાં લાલચંદન મોકલવાનું હતું તેની તપાસ તેમ જ ભૂતકાળના કિસ્સાઓની તપાસ પણ નવા કડાકા ભડાકા સર્જી શકે છે.