APMCની ચૂંટણીમાં રમેશ મહેશ્વરી સામે રહ્યા છતાં ભાજપની પેનલ જીતી - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Thursday, January 16, 2020

APMCની ચૂંટણીમાં રમેશ મહેશ્વરી સામે રહ્યા છતાં ભાજપની પેનલ જીતી

 કચ્છ ભાજપ માટે જૂથબંધી કોઇ નવી વાત નથી. જોકે, છેલ્લા કેટલાક સમયથી પક્ષમાં પ્રમાણમાં શાંતિ હતી. તેની વચ્ચે મુન્દ્રા એપીએમસીની ચૂંટણીએ વમળ ઉભું કર્યું છે. મુન્દ્રા પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બનેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીની ચૂંટણીના એક માસ બાદ આજે લોકોની આતુરતાનો અંત આવ્યો હતો અને ફરી એક વાર શાસક પક્ષનો હાથ ઉપર રહેતા પૂર્વ ચેરમેન જામ મહેન્દ્રસિંહ જાડેજાની સર્વાનુમતે ચેરમેન પદે બિનહરીફ વરણી કરવામાં આવી હતી અને વાઇસ ચેરમેન તરીકે તેમની જ પેનલના નગીન હીરાલાલ ગોર પણ બિનહરીફ જાહેર થયા હતા. જીત્યા બાદ જાડેજાએ એવો આક્ષેપ કર્યો હતો કે માજી ધારાસભ્ય રમેશ મહેશ્વરી યાર્ડ પણ બનાવવા દેતા નથી. અત્યારે પણ અમારી સામે પેનલ ઉભી રાખી હતી જેને અમે પરાસ્ત કરી છે.
વહીવટી પ્રક્રિયા સંપન્ન થયા બાદ પત્રકારોને સંબોધતા જાડેજાએ મુન્દ્રા અને ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી પર ખુલ્લા વાક્પ્રહાર કરતાં કહ્યું હતું કે તે છેલ્લા 12 વર્ષથી એપીએમસીના વહિવટમાં અંતરાયો ઉભા કરે છે. તેમની પેનલનું કંઈ ઉપજે એમ ન હોવાથી પોતાને બિનહરીફ જાહેર કરાયા બાબત પર પ્રકાશ પાડ્યો હતો. તેમજ તેમણે એપીએમસીનો વહીવટ ખોરંભે ચડાવવા અદાલતમાં પણ ચેરમેન વિરુદ્ધ પાંચ પીઆઈએલ દાખલ કરી હોવા બાબતે માહિતગાર કર્યા હતા. ઉપરાંત તેઓ અગાઉ પણ ફાવ્યા નથી અને ભવિષ્યમાં પણ તેમને નહીં ફાવવા દેવાનો વિશ્વાસ વ્યક્ત કરી આગામી સમયમાં ખેડૂત અને વેપારીઓના હિતમાં કામગીરી કરવાની લાગણી વ્યક્ત કરી છે.
ઉપરોક્ત ચૂંટણી બાદ ભાજપના જ બે જૂથ વચ્ચે ચેરમેન પદ હાંસીલ કરવા કાવાદાવાની રમત રમવામાં આવી હતી. કુલ્લ 13 બેઠકોમાંથી પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજાની પેનલે 8 અંકે કરતા વિરોધી જૂથે તેમાં તડજોડ કરવાની ગતિવીધી આદરી હતી. પરંતુ હાઇકમાન્ડ દ્વારા રુક જાવનો આદેશ થતાં આજે એપીએમસી પરીસરમાં એક તરફી વાતાવરણ જોવા મળ્યું હતું. મહેન્દ્રસિંહ જાડેજાને ચેરમેન તથા નગીન હીરાલાલ ગોરને વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ જાહેર કરાયા હતાં.
સંગઠન તો અમારી સાથે હતું : રમેશ મહેશ્વરી
આ સંદર્ભે માજી ધારાસભ્ય રમેશ મહેશ્વરીનો સંપર્ક સાધવામાં આવતા તેમણે કહ્યું હતું કે યાર્ડનું ડેવલોપીંગ સરકારમાં ક્યારે મંજૂર થયું તે જાણવું જોઇએ, યાર્ડની ગ્રાંટ કયા વરસે આવી તે પૂછાવું જોઇએ, અમે હંમેશા ભાજપ સાથે રહ્યા છીએ. પક્ષના આદેશનો પણ અમલ થાય છે. સંગઠનનો એક પણ માણસ જાડેજાના ગ્રુપ સાથે રહ્યો નથી. હાઇકોર્ટની મેટરના આક્ષેપ થયા છે તો એ પણ સાબિત કરવું જોઇએ કે રમેશ મહેશ્વરી કયા કેસમાં હાઇકોર્ટમાં ગયા છે.
આ છે વિજેતાઓ
ખેડૂત વિભાગઃ 
જાડેજા હઠુભા ભોજરાજજી, જાડેજા શિવુભા પચાણજી, ગેલવા પુનશીભાઇ દેવરાજભાઇ, જાડેજા ધીરૂભા રતનજી, જાડેજા રાજેન્દ્રસિ઼હ ભવગતસિંહ, આયર રવાભાઇ કરશનભાઇ, ગોરડીયા લખુરામ કુ઼ંભાજી, ગોરડીયા વ્યાસ માલારામ.
વેપારી વિભાગઃ ગોર નગીનભાઇ હીરાલાલ, જાડેજા બળવંતસિંહ વેસલજી, ચોથાણી રમેશચંદ્ર લાલજી, પાટણીયા રાજેન્દ્ર હરગોવિંદ.
સહકારી ખરીદ વેચાણ મંડળીઓનો મત વિભાગઃ જાડેજા મહેન્દ્રસિંહ પુંજાજી
સ્થાનિક સત્તામંડળના પ્રતિનિધિઃ સોંધમ શામજી લાખા