ભુજમાં અેક પછી અેક સ્થળે ગટરની મુખ્ય લાઈન બેસી રહી છે. ભુજ નગરપાલિકાની ડ્રેનેજ બ્રાન્ચે છેલ્લા 4 વર્ષમાં લગભગ અાખું શહેર ખોદી નાખ્યું છે. પરંતુ, ગટરની ચેમ્બર ઉભરાવવાની સમસ્યા ઠેરની ઠેર છે. અાનંદ કોલોની અને નૂતન સોસાયટીમાંથી પસાર થતા વરસાદી નાળામાં ગટરના ગંદા પાણી વહી નીકળ્યા હતા, જેથી બુધવારે સંતોષી માતાના મંદિર પાસે ત્રીજી વખતે રોડ ખોદવામાં આવ્યો છે.
ભૂકંપ પછી ભુજ શહેર 6માંથી 56 કિ.મી.ના ઘેરાવામાં વિસ્તર્યો છે. જેની ગટર લાઈન જી.યુ.ડી.સી. એ પાથરી હતી. એટલું જ નહીં પણ ગટરની ચેમ્બરની નિયમિત સફાઈ માટે અત્યાધુનિક સાધનો પણ વસાવી આપ્યા હતા. જોકે, પ્રારંભમાં ભુજ નગરપાલિકાના અનક્વોલિફાઈડ કર્મચારીઑને અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરતા પણ આવડતું ન હતું. જે બાદ ગટરની ચેમ્બરની નિયમિત સાફ સફાઈની સતત ચાલતી પ્રક્રિયા જ બંધ કરી દેવાઈ હતી. જેના કારણે ઠેરઠેર ગટરની લાઈનમાં કાદવ કિચડ જમા થઈ ગયા છે. જે ગંદા પાણીના પ્રવાહને આગળ વધતું અટકાવે છે, જેથી ગટરની લાઈન ઉપર દબાણ આવવાથી એક પછી એક લાઈનો બેસી રહી છે. આમ, અનક્વોલિફાઈડ સ્ટાફની અણઆવડતનો ભોગ હવે આખું શહેર બની રહ્યું છે. પરંતુ, ભુજ નગરપાલિકાના પદાધિકારીઑ અને સત્તાધિકારીઑહજુ પણ ઊંઘમાંથી જાગ્યા નથી.
