ભાઇ-બહેન ભરખાયા : મા-બાપને ઝેરી અસર - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, January 4, 2020

ભાઇ-બહેન ભરખાયા : મા-બાપને ઝેરી અસર

ભુજના ભાનુશાલીનગર પાછળ રઘુવંશીનગરમાં રહેતા શ્રમજીવી પરિવારના 4 સભ્યો ગુરૂવારે રાત્રે ભોજન કરીને સૂઇ ગયા બાદ સવારે ચારેને કથિત ખોરાકી ઝેરીની અસર થતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં ભાઈ-બહેનનું મોત નીપજયું હતું જ્યારે માતા-પિતાને ગંભીર અસર તળે શહેરની જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં અાવ્યા છે. ખોરાકી ઝેરના મુદ્દે ભેદભરમ સર્જાયા છે.પ્રાપ્ત વિગતો મુજબ રઘુવંશીનગરમાં રહેતા અને ભુજની કાર્ગો હોન્ડા કંપનીમાં સફાઇનું કામ કરતાં વિજયભાઇ વિશરામભાઇ સોલંકી ગુરૂવારે રાત્રે બહારથી વડાપાઉ અને ભૂંગળા બટેટા ઘરે લઇ આવ્યા હતા, સાથે સવારના બનાવેલી દાળ અને રાત્રે બનાવેલી ખીચડીનું વાળુ કરી પરિવારના ચારે સભ્યો સૂઇ ગયા હતા. બપોરે 12:30 વાગ્યા સુધી તેમના ઘરનો દરવાજો બંધ દેખાતાં પડોશમાં રહેતી મહિલાએ દરવાજો ખખડાવ્યો હતો, જે ન ખુલતાં આખરે ધક્કો મારી બારણુ ખોલ્યું ત્યારે વિજયભાઇનો પરિવાર અર્ધ બેભાન અવસ્થામાં જણાતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જી.કે.જનરલ ખસેડાયાં હતા. જ્યાં હાજર પરના તબીબોએ પુત્ર ધવલ (ઉ.વ.8) અને પુત્રી માનસી (ઉ.વ.14)ને મૃત જાહેર કર્યાં હતા, પિતા વિજય સોલંકીની હાલત ગંભીર હોવાથી તેઓ રાત સુધી બેશુદ્ધ હાલતમાં હતા અને વિજયભાઇના પત્નિ પૂનમબેન પણ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ વી.આર. ઉલ્વાએ નિવેદન લઇ આગળની તપાસ હાથ ધરી છે. બનાવ સંદર્ભે તપાસનીસના જણાવ્યા પ્રમાણે હાલ ફુડ પોઈઝનીંગને કારણે ઝેરી અસર થવાને કારણે જણાઇ રહયું છે પણ બાળકોના મોતનું સ્પષ્ટ કારણ જાણવા મૃતકોની બોડીના વીસેરા જામનગર મોકલવામાં આવ્યા છે તેનો રિપોર્ટ આવ્યા બાદ જ સાચુ કારણ જાણી શકાશે. હોસ્પિટલના ફરજ પરના તબીબ જી.એલ. કાલરિયાએ જણાવ્યું કે, રેર કેસમાં ખોરાકી ઝેરથી આ રીતે મોત નિપજી શકે છે, પણ વિસેરાના રિપોર્ટ બાદ કારણ સ્પષ્ટ થશે. બીજીબાજુ પોલીસ અને હોસ્પિટલના અન્ય સૂત્રોના કહેવા પ્રમાણે જો લારીમાંથી ખરીદેલા વડાપાઉ કે ભુંગળા-બટેટાથી ખોરાકી ઝેર થયું હોય તો એની અસર અન્ય લોકોને પણ થાય, પરંતુ હોસ્પિટલમાં આવો અન્ય એક પણ કેસ આવ્યો નથી. અલબત્ત ઘરની દાળ કે ખીચડીમાં કોઇ ઝેરી જીવજંતુ પડી ગયું હોય અને તેની અસર થઇ હોય એ શક્યતા પણ નકારાતી નથી.