બાવળા તાલુકામાં આવેલા નાનોદરા ગામમાં એક વ્યક્તિને પાંચ લોકોએ સાથે મળીને લાકડામાં ફટકા અને પાઈપ વડે પત્ની વિષે કેમ ખરાબ બોલે છે તેમ કહીને માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા સમગ્ર મામલો બાવળા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.
રિપોર્ટ અનુસાર નાનોદરા ગામમાં રહેતા રતિલાલ ચૌહાણ બપોરના એક વાગ્યે પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે સમયે રસ્તામાં મળેલા દેકા કોળી નામના વ્યક્તિએ તેમને કહ્યુ હતું કે, તમે ગડાભાઈ સાથે મોબાઈલમાં વાત કરતા હતા તે સમયે મારી પત્ની વિષે ખરાબ વાત કરી હતી, ત્યારે રતિલાલે આ વાતની મનાઈ ફરમાવતા પોતે રાત્રે બીમાર હોવાથી ઘરે આવી ગયા હોવાનું જણાવ્યું હતું.
બપોરે મુલાકાત પછી દેકા કોળી તેની સાથે ચારથી પાંચ લોકોને સાથે લઇને સાંજે આઠેક વાગ્યે રતિલાલના ઘરે ગયો હતો અને ત્યારબાદ દેકા કોળીએ રતિલાલને મારી પત્નીને વિષે ખરાબ કેમ બોલે છે તેમ કહીને ગાળો આપીને ઝઘડો કરવા લાગ્યો હતો. ગાળો બોલવાની ના પાડતા દેકા કોળી અને તેની સાથે આવેલા મિત્રોએ રતિલાલ અને તેના પર્રીવારના સભ્યો પર લોખંડની પાઈપ અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો.
આ ઘટનામાં રતિલાલના ભાઈ ભરતભાઈ, કિશનભાઈ અને પત્ની કૈલાશબેન અને વાઘજીભાઈને નાનીમોટી ઈજાઓ થવા પામી હતી. આ ઉપરાંત તમામ લોકોને માર માર્યા પછી દેકા કોળીએ ધમકી આપી હતી કે, હવે પછી મારી પત્ની વિષે ખરાબ બોલશો તો તમને બધાને જીવતા રહેવા દેવાના નથી. આ મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ રતિલાલે બાવળા પોલીસ સ્ટેશનમાં દેકા કોળી, વિજય, જયંતી, જાલા અને સુરેશ નામના ઇસમો સામે ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે રતિલાલની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
