કચ્છમાં નર્મદા નીર પ્રશ્ને લડી લેવા નિર્ધાર
કચ્છને ફાળવાયેલા નર્મદાના નિયમિત નીર અને વધારાના પાણી માટે સરકાર સમક્ષ થયેલી અનેક રજૂઆતો વિફળ રહેતાં જિલ્લાના કિસાનો અને પ્રબુધ્ધ વર્ગને સાથે રાખી લડત ચલાવવાનો નિર્ધાર ભુજ ખાતે યોજાયેલી બેઠકમાં વ્યક્ત કરાયો હતો. આ મુદ્દે ગાંધી ચીંધ્યા માર્ગે જવા સુધીની તૈયારી સાથે કચ્છ નર્મદા જળ અભિયાન સમિતિની રચના કરવામાં આવી હતી જેના હોદ્દેદારો આગામી સમયમાં નક્કર અને અસરકારક રજૂઆતો કરશે તેમ બેઠકમાં ઠરાવાયું હતું. જિલ્લાના જુદા જુદા તાલુકાના ખેડૂતો અને પ્રબુધ્ધ લોકો દ્વારા આયોજિત આ બેઠકમાં કચ્છને નર્મદાના પાણીની ફાળવણી બાબતે થઇ રહેલા અન્યાય માટે સરકાર પ્રત્યે રોષની લાગણી વ્યક્ત કરાઇ હતી. નર્મદાના નિયમિત પાણી માટે વર્ષ 2006માં બ્રાન્ચ કેનાલનું કામ શરૂ કરાયું હતું જે આજે 13 વર્ષે ટપ્પર સુધી જ પહોંચ્યું છે અને તેના નિર્ધારિત સ્થળ માંડવીના મોડકૂબા સુધી ક્યારે પહોંચશે તેનો જવાબ નર્મદા નિગમના અધિકારીઓ કે સરકારમાં આ ખાતું સંભાળતા મંત્રી પણ આપી શક્તા નથી. મુખ્ય કેનાલ પહોંચવાની છે ત્યાં સુધી બ્રાન્ચ કેનાલ, સબબ્રાન્ચ કેનાલ, માઇનોર કેનાલ સહિતના કામો પૂરા ન કરાતાં નિર્ધારિત 2.85 લાખ એકરજમીનમાં પાણી ક્યારે પહોંચશે એ નક્કી નથી થતું. આવી જ રીતે કચ્છને વધારાના પાણી ફાળવાશે તેવી વર્ષ 2006માં સરકારે જાહેરાત કરી હતી તેમ છતાં તેના કામ માટે આજ સુધી વહીવટી મંજૂરી આપવામાં ન આવતાં તેનો આરંભ જ થઇ નથી શક્યો, પરિણામ સ્વરૂપે અનેકવાર દુષ્કાળનો સામનો કરી ચૂકેલા કચ્છના કિસાનો આઝાદીના 72 વર્ષે પણ અભાવની સ્થિતિમાં જ રહ્યા છે. બેઠકમાં ઉપસ્થિત અશોકભાઇ મહેતા, કીર્તિભાઇ ખત્રી, શશિકાંતભાઇ ઠક્કર, હંસરાજ ધોળુ, જાદવભાઇ ગઢવી, લાલજીભાઇ, વીરમ ગઢવી, મનોજભાઇ સોલંકી, મણિલાલ પટેલ સહિતના અગ્રણીઓએ વક્તવ્ય આપ્યું હતું. નર્મદાના પાણી માટે કચ્છની થઇ રહેલી અવગણના સામે અવાજ ઉઠાવવા માત્ર ખેડૂતોજ નહિ પણ સહિયારા પ્રયાસો આવશ્યક છે અને તેના માટે જાગૃતિ ફેલાવીને સરકાર સુધી અવાજ પહોંચાડી શકાશે તેવો સૂર વક્તાઑએ વ્યક્ત કર્યો હતો. બેઠકના અંતે કચ્છ નર્મદા જળ અભિયાન સમિતિ તેમજ તેની પેટામાં નિયમિત પાણી અને વધારાના પાણીની સમિતિઓ રચાઇ હતી. આગામી સમયમાં આ સમિતિ દ્વારા નક્કર આયોજન ઘડી કાઢવામાં આવશે તેમ સર્વાનુમતે ઠરાવાયું હતું. કચ્છ નર્મમદા જળ અભિયાન સમિતિના પ્રમુખ પદે જેંતીલાલ શિવજી પોકાર, ઉપપ્રમુખો મણિલાલ વીરજી પટેલ અને માવજી ગોવિંદ જાટિયા, મહામંત્રી તરીકે અશોકભાઇ મહેતા, મંત્રી વિરમ ગઢવી, જયેશ લાલકા, છગનભાઇ પરડવા, ખજાનચી ભગવાનભાઇ પાંચાણી, સહખજાનચી શામજીભાઇ મ્યાત્રાની વરણી કરાઇ હતી. આ ઉપરાંત શિવજી આહિરને નિયમિત પાણી સમિતિના કન્વીનર અને હંસરાજ કેસરાણીને વધારાના પાણી સમિતિના કન્વીનરની જવાબદારી સોંપાઇ હતી.લાંબા સમયથી માગ થઇ રહી છે તે નર્મદાના નીર લઇને જ જંપવાના આશય સાથે બનાવાયેલી સમિતિ દ્વારા કચ્છના તમામ ધારાસભ્યો અને સાંસદને આ મુદ્દે રજૂઆત કરાશે. આ ઉપરાંત શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સભા, સરઘસ અને રેલી યોજીને લોકોમાં જાગૃતિ ફેલાવાશે. ગ્રામ્ય વિસ્તારો માટે કિસાનોની તાલુકા કારોબારીઓનો સહયોગ લેવામાં આવશે. આ તમામ પ્રયાસો બાદ પણ માગણી નહિ સંતોષાય તો છેવટે ગાંધી ચીંધ્યા માર્ગે લડી લેવાનો સૂર બેઠકમાં વ્યક્ત કરાયો હતો.
