સામાન્ય રીતે ઠંડીમા મોખરે રહેતા નલિયાની રેસમાં જાણે ભુજ ઉતર્યું હોય તેમ 7 ડિગ્રી જેટલા નીચા તાપમાન સાથે મોસમની હાડ થીજાવતી ઠંડી અનુભવાઇ હતી. દિવસભર વાદળો છવાયેલા રહેતાં સૂર્ય પ્રકાશ ગાયબ થવાની સાથે મહત્તમ તાપમાન પણ 19 ડિગ્રી રહેતાં મધ્યાહ્ને પણ ઠારનો માર શહેરીજનોને સહેવો પડ્યો હતો. ગુરૂવારે સૂર્ય પ્રકાશ રહેવાની શક્યતા દર્શાવતાં હવામાન વિભાગે ઉંચું તાપમાન વધશે તેમ જણાવ્યું હતું. બીજી બાજુ નલિયા પણ 7.8 ડિગ્રી સાથે ઠુંઠવાયું હતું. આગલા દિવસની તુલનાએ ભુજમાં પારો માત્ર 0.6 ડિગ્રી જેટલોજ લૂઢક્યો હતો પણ દિવસભર તડકો ન નીકળતાં નવા વર્ષના પ્રથમ દિવસે જ કાતિલ ઠાર અનુભવાયો હતો. વર્ષ 2014ની પહેલી જાન્યુઆરીએ 7.2 ડિગ્રી તાપમાન ભુજમાં નોંધાયું હતું તે વિક્રમ તૂટ્યો હતો. દિવસભર પ્રતિ કલાક સરેરાશ 5 કિમીની ગતિએ ઉત્તર દિશાએથી બર્ફિલો પવન ફુંકાયો હતો જેને કારણે શહેરીજનો દિવસે પણ ગરમ વસ્ત્રોમાં લપેટાયા હતા. મહત્તમ અને ન્યૂનત્તમ તાપમાન વચ્ચે માત્ર 12 ડિગ્રીનો જ ફરક રહેતાં મધ્યાહ્ને પણ ટાઢોડું છવાયેલું રહ્યું હતું. હવામાન વિભાગના પ્રભારી રાકેશકુમારના જણાવ્યા મુજબ આજે ગુરૂવારે વાદળો હટવાની સાથે સૂર્ય પ્રકાશ નીકળતાં દિવસે ઠંડીમાં રાહત રહેશે પણ આગામી ત્રણ-ચાર દિવસ પારો 8 ડિગ્રીની આસપાસ જ રહેશે. નલિયામાં પારો 2 ડિગ્રી જેટલો ઉંચકાઇને 7.8 પર અટક્યો હતો પરિણામે નગરજનો કાતિલ ઠારમાં લપેટાયા હતા. છેલ્લા એક સપ્તાહ કરતાં વધુ સમયથી નગરમાં પડી રહેલી ઠંડીના પગલે ખાસ કરીને શ્રમજીવી વર્ગ અને અબોલ જીવો પારાવાર પરેશાનીનો સામનો કરી રહ્યા છે. કંડલા પોર્ટમાં પારો 2 ડિગ્રી ઉંચકાઇને 10.4 રહેતાં ઠંડીમાં અાંશિક રાહત રહી હતી તો કંડલા એરપોર્ટ ખાતે 9.8 ડિગ્રી સાથે ટાઢની આણ યથાવત રહી હતી.
