કચ્છમાં છેલ્લા એક સપ્તાહથી હાડ થિજાવતી ઠંડી વચ્ચે વહેલી સવારે શાળાએ જતાં નાના બાળકોની સ્થિતી અતિશય દયનીય બની હતી. એક ડિગ્રી પારો પહોંચી ગયો છતાં જિલ્લા શિક્ષણતંત્રને શાળાના સમય બદલવા ન સુઝતા વાલીઓમાં ભારે રોષ વ્યાપ્યા બાદ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગેલા સરકારી બાબુઓએ આખરે શાળાનો સમય મોડો કરવા આદેશ આપ્યો હતો.
કચ્છના તમામ મુખ્ય સેન્ટરોમાં પારો સિંગલ ડીઝીટે પહોંચી ગયો છે ત્યારે વહેલી સવારે શાળા પહોંચવા બાળકોને ૫ વાગ્યામાં ઉઠીને તૈયાર થવાની ફરજ પડે છે. આ સ્થિતીમાં બાળકોની સ્થિતી કફોડી બની છે, મોટેરાઓ પણ ઠંડી સહી ન શકે તેવા વાતાવરણમાં અનેક બાળકો બિમારીમાં પટકાયા છે ત્યારે વાલીઓ દ્વારા શાળાનો સમય બદલવા માંગણી કરાઈ હતી. જેના પગલે કુંભકર્ણની નિંદ્રામાં જિલ્લા શિક્ષણતંત્ર આખરે જાગ્યું હતું અને જિલ્લાની તમામ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓના સવારના સમયમાં ફેરફાર કરવા આદેશ જારી કર્યો હતો. જ્યાં સુધી અન્ય આદેશ ના થાય ત્યાં સુધી નિયત સમય કરતા અડધો કલાક મોડો શાળા શરૂ કરવાની રહેશે. જ્યારે પાળી પધ્ધતિ ધરાવતી તમામ શાળાઓના સમયમાં સવારની પાળીમાં માત્ર ૧૫ મિનિટમાં મોડા બોલાવવાના રહેશે.