થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને કચ્છભરમાં થનગનાટ જોવા મળ્યો હતો ત્યારે કચ્છ પોલીસ દ્વારા જુદા જુદા સ્થળોએ પાર્ટીમાં છેડતી સહિતની ઘટનાઓ ન બને તે માટે તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા.
પૂર્વ કચ્છના પોલીસ વડા પરીક્ષીતા રાઠોડ, પશ્ચિમ કચ્છના પોલીસ વડા સૌરંભ તોલંબીયાના માર્ગદર્શન હેઠળ ભુજ, ગાંધીધામ, અંજાર,માંડવી, ધોરડો, કાળા ડુંગર, મુંદરા, રાપર, ભચાઉ, નખત્રાણા સહિતના મોટા શહેરોમાં આવેલી હોટલો, ગેસ્ટહાઉસમાં સંઘન ચેકીંગ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરોમાં આવેલા બાગ બગીચાઓ અને ખાનગી પ્લોટો યોજાયેલી ૩૧ ડિસેમ્બરની પાર્ટીમાં પોલીસે ખાનગી વેષમાં ચેકીંગ કર્યું હતું. આ ઉપરાંત જાહેર સર્કલો, ચેકપોસ્ટ પર અવર જવર કરતા તમામ વાહન ચાલકો નશાયુક્ત હાલતમાં છે કે કેમ તેની પણ તપાસણી કરી હતી.
રાત્રિ દરમિયાન કચ્છમાં પ૦થી વધુ પીયક્કડો જોવા મળ્યા હતા જેઓને પોલીસ દ્વારા પાઠ ભણાવવામાં આવ્યો હતો. પશ્ચિમ કચ્છમાં ત્રણ ડીવાયએસપી, ૧ર પીઆઈ, ૩પ પીએસઆઈ અને ૭૦૦ પોલીસ કર્મચારીઓએ માર્ગો પર ચેકીંગ કર્યું હતું. ખાસ કરીને ભુજ એ-બી ડીવીઝનમાં ૧પ-૧પ બ્રેથ એનલાઈઝર ઈશ્યુ કરાયા હતા. દારૂ પીને વાહન હંકારતા લોકોનું ચેકીંગ કરાયું હતું. આ ઉપરાંત હિસ્ટ્રી શીટર અને એમસીઆર કાર્ડમાં સમાવિષ્ટ તત્વો પર વોંચ રાખવામાં આવી હતી.