તાલુકાના મેઘપર-બોરીચીમાં આવેલા રાધેકૃષ્ણ સોસાયટી સામે આવેલા ખુલ્લા મેદાનમાં બીમારીથી કંટાળી શરીર પર પેટ્રોલ છાંટી આધેડે આપઘાત કર્યો છે. આ અંગે અંજાર પોલીસના તપાસનીશ માધાભાઈ ચૌધરી પાસેથી મળતી વિગતો મુજબ ઇન્દોરમાં રહેતા 62 વર્ષીય અરૂણકુમાર બાબુલાલ મૌસીલનું પહેલી જાન્યુઆરીએ તેમના બનેવીનું મૃત્યુ થતા મેઘપર-બો.ના સર્વે નં. 162માં આવેલ રાધે કૃષ્ણ સોસાયટીના મકાન નં. 276માં રહેતા તેમના બહેનના ઘરે તા. 2/1/2020ના રોજ આવ્યા હતા.
બીમારીથી કંટાળીને આપઘાત કર્યોઅરૂણકુમારને 2007માં હૃદયનો હુમલો આવ્યો હતો અને તેમને ડાયાબિટિસ તેમજ બીપીની તકલીફ હતી. જે બીમારીઓથી કંટાળી આજે બપોરે 12-45 વાગ્યાના અરસામાં તેમને રાધેકૃષ્ણ સોસાયટી સામે આવેલા ખુલ્લા મેદાનમાં જઈ પોતાના પર પેટ્રોલ છાંટી દીવાસળી દઈ આપઘાત કરી લીધો હતો. બનાવના પગલે આજુબાજુમાંથી યુવાનો અને અન્ય લોકો દોડી આવ્યા હતા અને આધેડ પર લાગેલી આગ બુઝાવી હતી અને તાત્કાલિક તેમને આદિપુરની રામબાગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર રહેલા ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા હતા. આ બનાવના પગલે સ્થાનિક રહેવાસીઓમાં અરેરાટી ફેલાઈ હતી.
