જાલનામાં વૃદ્ધ કચ્છી વેપારીનું રૂ. 50 લાખની ખંડણી માટે અપહરણ કરાયું હતું, જે પછી વેપારીના પુત્ર અને પોલીસની સમયસૂચકતાથી વેપારીનો સુરક્ષિત છુટકારો થયો હતો. આરોપીઓ જંગલ વિસ્તારનો લાભ લઈને ભાગી ગયા હતા, પરંતુ ડરના માર્યા ખંડણીની રકમ ત્યાં જ મૂકીને ભાગી ગયા હતા. જાલના સ્ટેશન ખાતે નગર પરિષદ ઓફિસ નજીક શિવશક્તિ ગાર્ડન કોલોનીમાં રહેતા ખેરાજભાઈ દેવશીભાઈ ભાનુશાલી (70) મૂળ કચ્છના અબડાસા તાલુકાના ભવાનીપુરના વતની છે. જાલનામાં 1978થી વસવાટ કરે છે અને ઘરથી પાંચેક કિમી દૂર જાલના માર્કેટ યાર્ડમાં અનાજ પેકિંગ માટે ઉપયોગ કરાતા બારદાન અને પ્લાસ્ટિક પેકિંગ બેગ બનાવવાનું તેમનું કારખાનું છે. ખેરાજભાઈ અને તેમનો પુત્ર દીપકભાઈ બંને કામકાજ સંભાળે છે. સોમવારે ખેરાજભાઈ રોજ મુજબ સાંજે દુકાન વધાવીને સ્કૂટર પર ઘેર નીકળ્યા હતા. તેઓ ઘર પાસે પહોંચ્યા ત્યાં તેમને એક મારુતિ 800 કાર અને બાઈક પર આવેલા ત્રણ જણે આંતર્યા હતા. ખેરાજભાઈ કશું પૂછે તે પૂર્વે ધાકધમકી આપીને તેમને કારમાં બેસાડીને અપહરણ કરી ગયા હતા. આ પછી ખેરાજભાઈના મોબાઈલ પરથી તેમના પુત્ર દીપકભાઈને કોલ કરીને છુટકારા માટે રૂ. 50 લાખની ખંડણી માગી હતી. દીપકભાઈએ તરત જ પરિચિત એન્ટી ડેકોઈટી સ્ક્વોડના પ્રમુખ યશવંત જાધવને જાણ કરી હતી, જે પછી તેમણે ઉપરીને જાણ કરતાં એસપી એસ ચૈતન્ય, પીઆઈ રાજેન્દ્ર સિંહ ગૌર, દેવીદાસ શેળકે સહિત 50 જણની ટીમ કામે લાગી હતી. આ બાજુ આરોપીઓ દીપકભાઈને થોડા થોડા સમયે પૈસા માટે કોલ કરતા હતા. દીપકભાઈ પોલીસે જણાવ્યા મુજબ બોલતા હતા. રાતોરાત મોટી રકમનો બંદોબસ્ત નહીં થઈ શકે એવું કહેતાં ખંડણીખોરો રૂ. 5 લાખ અને પછી અંતે રૂ. 2 લાખ લેવા તૈયાર થયા હતા અને તેમણે જગ્યા પણ બતાવી હતી. આ જગ્યામાં લગભગ 100 એકર જંગલ પથરાયેલું છે. ખંડણીખોરોએ ત્રણ વાર જગ્યા બદલી. આખરે સેન્ટ મેરીઝ સ્કૂલ પાસે પૈસા લઈને આવવા કહ્યું, જે સમયે મધરાત્રે લગભગ 1 વાગ્યા હતા. પોલીસના કહ્યા મુજબ દીપકભાઈએ એક જગ્યાએ રૂપિયા ભરેલી બેગ મૂકી દીધી હતી, જે ઉઠાવવા પૂર્વે પોતાના પિતાને છોડવા કહ્યું હતું. ખંડણીખોરોએ ખેરાજભાઈને છોડી દીધા અને બેગ લેવા આવ્યા ત્યાં જ પોલીસની હાજરીની ગંધ આવતાં બેગ છોડીને ઊભી પૂંછડીએ ભાગ્યા હતા. આ પછી પોલીસે પીછો કર્યો, પરંતુ જંગલ વિસ્તારનો લાભ લઈ છટકી ગયા હતા.એન્ટી ડેકોઇટી સ્કવોડના પ્રમુખ યશવંત જાધવે જણાવ્યું હતું કે લગભગ સાડાપાંચ કલાક સુધી આ અપહરણનું નાટક ચાલ્યું હતું. તેઓ ત્રણ જણ હતા. આ જંગલ વિસ્તાર હોવાથી તેઓ ખેરાજભાઈને પગપાળા ચલાવતા હતા અને લોકેશન નહીં મળે તે માટે જગ્યા બદલતા રહેતા હતા. ખરેખર ખેરાજભાઈનો છુટકારો કર્યો તેનો સંતોષ છે. ખંડણીખોરોને તો ગમે તેમ ઝડપીને રહીશું.
